• માળિયા પાલિકાની ચૂંટણી માટે ભાજપનો એકપણ દાવેદાર નહીંઃ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા ત્રણ દિવસ સેન્સ લેવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, બે નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે કુલ 1007 દાવેદારો મેદાનમાં જોવા મળ્યા હતા, જ્યારે માળિયામિંયાણા નગરપાલિકા માટે ભાજપમાં એકપણ દાવેદારે દાવેદારી ન નોંધાવતા આશ્ચર્ય ફેલાયું છે.
• અમદાવાદના ખાનપુર ચોકમાં ઓવૈસીને જાહેરસભા યોજવાની મંજૂરીથી આશ્ચર્યઃ ભાજપના નિર્ણયોને જાહેરમાં અને સુપ્રીમ કોર્ટમાં પડકારતા આવેલા AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે અમદાવાદના ખાનપુર ખાતે ભાજપ કાર્યાલય પાસે જ સભા યોજતાં રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સામાન્ય રીતે ખાનપુરમાં ભાજપ કાર્યાલય નજીક કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પક્ષોને સભા-રેલી યોજવાની મંજૂરી અપાતી નથી.
• 25 વર્ષથી કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખનું પક્ષથી રાજીનામુંઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે 25 વર્ષથી ગોમતીપુરથી કોંગ્રેસના કોર્પોરેટર રહેલા ઇકબાલ શેખે પક્ષ દ્વારા ટિકિટ આપવાની જાહેરાત પહેલાં જ પોતાનાં તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. ઇકબાલ શેખે પક્ષમાં અન્યાય થતો હોવાની સાથે અવગણના થઈ રહી હોવાનું કહીને રાજીનામું આપ્યું છે. આગામી સમયમાં તેઓ અન્ય પાર્ટીમાં જોડાઈ શકે છે.

