ઉમરેઠમાં દિવંગત ધારાસભ્યના પુત્ર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ વચ્ચે ટક્કર

Wednesday 08th April 2026 05:46 EDT
 
 

આણંદઃ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ ઉમરેઠ વિધાનસભાની આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આવા સમયે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ હાઇકમાન્ડે પાયાના અને અનુભવી કાર્યકર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. બીજી તરફ ભાજપે દિવંગત ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદને ટિકિટ આપી છે.
કોંગ્રેસે પાયાના કાર્યકરને ટિકિટ આપી
કોંગ્રેસ હાઇકમાન્ડે શુક્રવારે સાંજે રીતે વિધિવત્ ઉમેદવાર તરીકે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની જાહેરાત કરી હતી. એમ.એ., બીએડ. સુધીનો અભ્યાસ કરનારા 62 વર્ષીય ઉમેદવાર સ્થાનિક સામાજિક આગેવાન છે અને ઉમરેઠ તાલુકા પંચાયતમાં ત્રણ ટર્મ પ્રમુખપદે રહ્યા હતા.
ભાજપે પૂર્વ ધારાસભ્યના પુત્રને અવસર
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસના આ ઉમેદવારનો મુકાબલો ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર સાથે થશે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ ખાલી પડેલી ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપે સ્વ. ગોવિંદ પરમારના પુત્રને ટિકિટ આપી છે. ગોવિંદ પરમારની વિસ્તારમાં છાપને જોતાં ભાજપે હર્ષદને ટિકિટ આપી હોવાનું જણાવાઈ રહ્યું છે. ગોવિંદ પરમાર અગાઉ કોંગ્રેસમાં હતા અને પછી ભાજપથી ચૂંટાઈ આવ્યા હતા. છેલ્લે 2022ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે તેઓ 26,700 કરતાં વધુ મતથી વિજયી થયા હતા, જ્યારે એનસીપીના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો. એ વખતે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હોવાથી કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો.


comments powered by Disqus