કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠું બન્યું મહામુસીબતઃ ખેડૂતોને રોવાનો વારો

Wednesday 08th April 2026 05:47 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં ભરઉનાળે ત્રીજી વખત માવઠું વરસતાં માંડમાંડ બેઠા થતા ખેડ઼ૂતોના બરડા પર વધુ એક કુઠારો ઘાત થયો છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી બાદ 2 એપ્રિલે રાજ્યમાં માવઠાએ કેર મચાવ્યો. 2 એપ્રિલે શરૂ થયેલો કુદરતનો આ કેર મંગળવાર 7 એપ્રિલ સુધી પણ યથાવત્ રહ્યું છે. માવઠાનો આ માર કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે, જેનાથી ખેડૂતોને ખૂબ મોટો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ દરમિયાન કેટલાક સ્થળે કરા પણ પડ્યા હતા.
કચ્છ-સૌરાષ્ટ્રમાં કરા સાથે વરસાદ
ભુજ તાલુકાના ખાવડા પંથકમાં મિરઝાપર, સુખપર, માનકૂવા સહિતનાં ગામોમાં માવઠું પડ્યું હતું, તેમજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ગાજવીજ સાથે કરા પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. લાલપુર પંથકમાં કરા સાથે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પણ માવઠું વરસતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. 3 એપ્રિલે વેરાવળમાં 15થી 20 મિનિટમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હાલના વરસાદના પગલે કેરી, બાજરી, જીરું સહિતના પાકને ભારે નુકસાન થવાના ડરથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.
ઉત્તર ગુજરાત પણ તરબોળ
મહેસાણા જિલ્લાના વિસનગરમાં પણ 7 એપ્રિલે વાતાવરણમાં અચાનક પલટો થતાં જોરદાર પવન સાથે માવઠું વરસ્યું હતું. અચાનક વરસાદને કારણે વિસનગરમાં ઠંડક પ્રસરી જવા પામી છે, તો સ્થાનિક ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે. આ સાથે સૌરાષ્ટ્રના કેટલાંક સ્થળે પણ મંગળવારે વરસાદ પડ્યો. ભાવનગરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. 7 એપ્રિલે ઉત્તર ગુજરાતમાં ભારે પનવ સાથે વરસાદ વરસ્યો. સાબરકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ તોફાની પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં કરા પડ્યા હતા. ગોધરા, અને વિસનગરમાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો. ગોધરામાં વૃક્ષો, હોડિંગ તેમજ દિવાલ ધરાશાયી થઈ હતી. જેથી બે લોકોને ઈજા પણ પહોંચી છે.
2 એપ્રિલે જામનગરમાં કરા પડવાની સાથે શુક્રવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ અને સેંગરવા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા હતા. આ વરસાદી માહોલ 7 એપ્રિલ સુધી યથાવત્ રહ્યો છે, જે અંતર્ગત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
ખેડૂતો ચિંતામાં
માવઠાનો માર ખેડૂતોને એક પર એક પાટુ મારી રહ્યો છે અને મોટું નુકસાન પહોંચાડી રહ્યો છે, ત્યારે ફરી એકવાર વરસેલા માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. કચ્છ પંથકમાં વરસેલા વરસાદથી કપાસ અને ખાસ તો બાગાયતી પાક કેરીનાં મોર ખરી પડ્યાં છે.
બીજી તરફ ગીરસોમનાથ જિલ્લાના બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે. જામનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા વાવણી કરાયેલા પાક પર આસમાની આફત વરસતાં તેમને પણ આગળ જતાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.


comments powered by Disqus