કોર્પોરેશન, પાલિકાઓ તેમજ પંચાયતો માટે 26 એપ્રિલે મતદાન

Wednesday 08th April 2026 05:47 EDT
 
 

અમદાવાદઃ લાંબી આતુરતાના અંતે ગુજરાતમાં ગાંધીનગર-જૂનાગઢ સિવાય 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાયું છે. અંતિમ મતદાર યાદીની જાહેરાત બાદ તરત જ રાજ્ય ચૂંટણીપંચે સત્તાવાર એલાન કર્યું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું 26 એપ્રિલે મતદાન યોજાશે, જ્યારે 28 એપ્રિલે પરિણામ જાહેર કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મલ્ટિ ઇવીએમ જ્યારે તાલુકા પંચાયતમાં સિંગલ ઇવીએમથી ચૂંટણી યોજાશે.
4.18 કરોડ મતદાર 10 હજાર બેઠકો પર નિર્ણય કરશે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં 26 એપ્રિલે મતદાન યોજાશે. 28 એપ્રિલે ચૂંટણીનું પરિણામ આવશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. કુલ 10,005 બેઠકો પર રાજ્યના 4.18 કરોડ મતદાર ફેંસલો આપશે. થોડા સમય અગાઉ નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકામાં પણ આ ચૂંટણીમાં સામેલ છે. ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન થશે. આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી શહેરનો સમાવેશ થાય છે. 6થી 11 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ગાંધીનગર અને જૂનાગઢમાં મહાનગરપાલિકાની ટર્મ ચાલી રહી હોવાથી ત્યાં ચૂંટણી નહીં યોજાય. 11 નગરપાલિકાની ખાલી બેઠકો પર પેટા ચૂંટણી પણ સાથે જ યોજાશે. મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.
27 ટકા ઓબીસી અનામત
પહેલીવાર 27 ટકા ઓબીસી અનામતની સાથે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને વર્ષ 2027ની વિધાનસભા ઇલેક્શનની સેમિફાઇનલ માનવામાં આવે છે. આ ઉપરાંત મતદારયાદી સુધારણા પછીની પ્રથમ ચૂંટણી હોઈ આ વખતે ચૂંટણીનો આખો સિનારિયો બદલાય તેવી શક્યતા છે. કરમસદ-આણંદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, ત્યારે અહીં પ્રથમવાર કોર્પોરેશન સ્તરે મતદાન થશે. નવગઠિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ, કોંગ્રેસ સહિત આપ માટે રાજકીય કસોટી બની રહેશે.
ચૂંટણીમાં થયો છે વિલંબ
રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદ્દત પૂર્ણ થઈ હોવા છતાં ચૂંટણીઓ વિલંબમાં હતી, જેના કારણે ત્યાં હાલ વહીવટદારો કાર્યરત્ છે. હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. રાજ્ય ચૂંટણીપંચના મતે મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 9992 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, ત્યારે 4.40 કરોડ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે. એટલે કે કુલ મતદારો પૈકી પુરુષ મતદારો 2.16 કરોડ અને 2.72 કરોડ મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ટૂંકમાં પુરુષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધારે હશે.

ચૂંટણી અને તેના પર અસર કરતાં પાસાં

1. SIRથી શું ફરક પડશે?
રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિલ રિવિઝન (એસઆઇઆર)ની પ્રક્રિયા બાદ 68 લાખ મતદાર ઘટ્યા હતા. તે પછી આ પહેલી ચૂંટણી યોજાઇ રહી છે. ઉમેદવારોના હાર જીતમાં અંતર ઘણો ઘટાડો જોવા મળી શકે છે.
2. અનામતની શું અસર?:
જાતિના સમીકરણમાં આ વખતની ચૂંટણીની સૌથી મોટી ઓબીસી અનામત બેઠકોનું નવું રોટેશન છે. 10 હજારમાંથી 2286 બેઠકો પર ઓબીસી અનામત છે. જ્યારે 5 હજાર બેઠકો મહિલા માટે અનામત છે.
3. વિધાનસભા 2027 ની સેમીફાઈનલ:
ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીના 20 મહિના બાકી છે. આ ચૂંટણી તેની સેમિફાઇનલ ગણાય છે. દર વખતે આ સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ગ્રાફ વધતો ગયો છે તેમ વિધાનસભામાં બેઠખ વધી છે.
4. શહેરી-ગ્રામીણ પેટર્ન
આ ચૂંટણીમાં શહેરોમાં રોડ રસ્તા, ગંદકી અને જાહેર સેવા ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોઇ શકે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, ખેતી અને રોજગારી મુખ્ય મુદ્દા બને છે. આ તફાવત પાર્ટીઓની રણનીતિ પર અસર કરશે.
5. ત્રિપાંખિયો જંગ કે સીધી ટક્કર?
ગત ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ સુરત સહિતના કેટલાક વિસ્તારોમાં બેઠકો મેળવી હતી. કોંગ્રેસ અને આપને કેટલી બેઠકો મળશે તે જોવું રસપ્રદ રહેશે. વિપક્ષના મતોનું વિભાજનનો ફાયદો ભાજપને થશે.


comments powered by Disqus