ગુજરાત અને ગુજરાતીઓને અભણ-મૂર્ખ કહેનારા ખડગે માફી માગે

Wednesday 08th April 2026 05:47 EDT
 
 

અમદાવાદઃ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કેરલમ્ ખાતે જનસભાને સંબોધતાં કહ્યું હતું કે, વેળાએ ‘ગુજરાતના લોકો મૂર્ખ છે, અભણ છે. એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂર્ખ બનાવી શકે, પરંતુ કેરલમના લોકો ભણેલા છે એમને મૂર્ખ બનાવી શકશે નહીં.’ ખડગેના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષના નિવેદને ભાજપને કોંગ્રેસ પર પ્રહારો કરવા માટેનું હથિયાર પૂરું પાડ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ અધ્યક્ષના સાડા છ કરોડ ગુજરાતીઓના અપમાનસમાન નિવેદનને વખોડી કાઢ્યું છે. આ સાથે તેમણે ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ગુજરાત અને ગુજરાતીઓની માફી માગે તેવી માગણી કરી છે. ભાજપ પ્રમુખ વિશ્વકર્માએ ભાજપના કાર્યકરોને સ્થાનિક ચૂંટણીમાં વારંવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરનારી કોંગ્રેસને ક્રશ કરી દેવા હાકલ કરી છે.


comments powered by Disqus