લંડનઃ લેસ્ટર ઈસ્ટના યુવા કન્ઝર્વેટિવ સાંસદ શિવાની રાજા દ્વારા 24 માર્ચ 2026 ના રોજ યુકેના હાઉસ ઓફ કોમન્સમાં IIW શી ઇન્સ્પાયર્સ એવોર્ડ્સ ‘ધર્મા દુબે સ્પેશિયલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કારો વિશ્વભરની 40 વર્ષ અને તેથી વધુ વયની મહિલાઓને તેમની યોગ્યતા, સ્થિતિસ્થાપકતા, સિદ્ધિઓ અને સમુદાયમાં અર્થપૂર્ણ યોગદાન માટે એનાયત કરાય છે. IIW ના સ્થાપક રશ્મિ મિશ્રાના માતા ધર્મા દુબેના સન્માનમાં અપાતા આ પુરસ્કારો એવી મહિલાઓને સન્માનિત કરે છે જેમનું કાર્ય અને જીવનયાત્રા પોતે જ ઘણું કહી જાય છે.
આ એવી મહિલાઓ છે જેઓ ઔપચારિક નિર્ણાયક પ્રક્રિયા અથવા સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયાઓ દ્વારા માન્યતા મેળવવા ઈચ્છતી નથી. તેના બદલે, તેઓને તેમના અથાક જુસ્સા, સખત મહેનત અને દ્રઢતા માટે બિરદાવવામાં આવે છે. જે તેમણે ઘણીવાર જીવનના પડકારોનો સામનો કરીને મેળવી હોય છે. કોઈ પણ પ્રભાવ વિના આ પુરસ્કારો એવી મહિલાઓને અપાય છે જેઓ તેમના કાર્યો અને સમર્પણ દ્વારા અન્ય લોકોને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે.
એબીપીએલ ગ્રુપ માટે આ ગર્વની ક્ષણ છે કારણ કે ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સના ડી. આર. શાહને ‘IIW ધર્મા દુબે સ્પેશિયલ એવોર્ડ 2026’ થી નવાજવામાં આવ્યા છે. આ સન્માન તેમને પત્રકારત્વમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન અને ચાર દાયકાથી વધુ સમયથી યુકે અને ભારતમાં સમાજ પ્રત્યેની તેમની સમર્પિત સેવા બદલ આપવામાં આવ્યું છે.
અન્ય પ્રતિષ્ઠિત વિજેતાઓમાં હેમલતા મંજુનાથ, ડૉ. કલ્પના કુંદન, સીમા સરોજ, બેટાનિયા ફર્નાન્ડીઝ, સોનલ દવે, મીના ઠક્કર, દિયા નાગ, શાંતિ ગટૌરા, સંગીતા પિલ્લાઈ, લીના દેશમુખ, અરુણિમા રોય, રાખી પોદ્દાર, શરણ્યા પદ્મનાભન, રોઝ મારોક, દીપ્તિ રેવતકર, કાઉન્સિલર જીવિતા સંપંગી, પ્રતિભા ચૌધરી, ડૉ. સ્મૃતિ બેનર્જી, રશ્મિ બજાજ, શ્રદ્ધા બલ્લાલ, ગીતા બરુઆ, મેઘા જગાવત, શ્રદ્ધા ચૌહાણ, ગીતિકા સુલેખ, સીમા દત્તા, અનન્યા દત્તા, ડૉ. સીમા દત્તા, રાખી શારદા, નેહા ગુપ્તા, શીલા ચાર્લ્સ મોહન, વિદ્યા ભારતીદાસન, દિવ્યા પરકત, ડૉ. નિશા ઝા અને ડિમ્પલનો સમાવેશ થાય છે.

