નવકાર મહામંત્ર એ માંગ નથી માર્ગ છે વડાપ્રધાન મોદી ઉવાચ

- જ્યોત્સના શાહ Wednesday 08th April 2026 06:47 EDT
 
 

૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ ૧૦૮ થી વધુ દેશોમાં વસતા વિશ્વ વ્યાપી જૈનો હજારો-લાખોની સંખ્યામાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરશે. સામૂહિક ૧૦૮ વખત મંત્રનું રટણ કરશે. ભારત, યુ.કે અને વિશ્વભરની જૈન સંસ્થાઓ નવકાર મહામંત્રના રટણથી હકારાત્મક ઊર્જા રેલાવશે.ગયા વર્ષે JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) એનો શુભારંભ કર્યો હતો. આ એનું બીજું વર્ષ છે. જેનો હેતુ આધ્યાત્મિક જાગૃતિ, અહિંસા અને હકારાત્મકતાનો ફેલાવો વિશ્વભરમાં કરવાનો છે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એનું ઉદ્ઘાટન ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ કર્યું હતું. એ વખતે એમના મનનીય વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “નવકાર મહામંત્ર ૧૦૮ દિવ્ય ગુણોનું સ્મરણ કરાવે છે. જ્ઞાન અને કર્મ જ જીવનની દિશા છે. ગુરૂ જ પ્રકાશ છે. માર્ગ એ છે જે ભીતરથી નીકળે છે. નવકાર મહામંત્ર કહે છે સ્વયં પર વિશ્વાસ કરો.
સ્વયંની યાત્રા શરૂ કરો. દુશ્મન બહાર નથી, ભીતર છે. નકારાત્મક સોચ, અવિશ્વાસ, વૈમનસ્ય, સ્વાર્થ એ જ શત્રુઓને જીતવામાં જ અસલી વિજય છે. એ ઇન્સાનને ભીતરથી શુધ્ધ કરે છે. નવકાર મહામંત્ર એ આપણી આસ્થાનું કેન્દ્ર છે. સ્વયંથી સર્વ સુધીની એ યાત્રા છે.’’
 વિશ્વમાં શાંતિ, એકતા અને ભાઇચારાને પુષ્ટિ આપવા માટે નવકાર મંત્રના રટણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

નવકાર મંત્ર કોઇ એ ઇશ્વરના આશીર્વાદ મેળવવાની પ્રાર્થના નથી પરંતુ પાંચ સુપ્રિમ (પરમ) તત્વોની ઓળખ અને એ પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાનો મંત્ર છે.
નમો અરિહંતાણં
- એટલે કે જેઓએ પોતાના આંતરિક શત્રુઓ : ક્રોધ, લોભ, અહંકાર, મોહ-માયા પર કાબૂ મેળવી વિજય મેળવ્યો છે એવા અરિહંતને નમસ્કાર કરવાના છે.
નમો સિધ્ધાણં
એટલે કે જે આત્માઓ મોક્ષગતિને પામ્યા છે તેમને નમસ્કાર.
નમો આયરિયાણં
આચાર્ય (સાધુ-સાધ્વીઓને મોક્ષ માર્ગે જવાનું માર્ગદર્શન આપે છે તે)ને નમસ્કાર.
નમો ઉવજ્ઝાયાણં
ઉપાધ્યાયને નમસ્કાર. (શિક્ષકો, વિદ્વાનો જે સાધુ-સાધ્વીઓને શાસ્ત્રોનું જ્ઞાન આપે છે તે).
નમો લોએ સવ્વ સાહુણં
સાધુ-સાધ્વીઓને નમસ્કાર. (ભૌતિક સુખોનો ત્યાગ કરી જેઓએ જાતને ઓળખી મોક્ષ માર્ગે જવાનો રસ્તો અપનાવ્યો છે તે).
એસોપંચ નમુક્કારો
એટલે એ પાંચેય પરમેષ્ઠિઓ(સુપ્રીમ પાવર)ને નમસ્કાર.
સવ્વપાવ પણાસમણો
એટલે કે મારા બધા જ પાપો અને નકારાત્મક કર્મોનો નાશ થાઓ.
મંગલાણં ચ સવ્વેસિં.
એ બધા જ મંગલકારી (કલ્યાણકારી)છે.
પઢમં હવઇ મંગલમ્
આ નવકાર મંત્ર એ સૌથી વધુ મંગલકારી છે.
આ નવ લાઇનનો મંત્ર માનવમાં રહેલ નકારાત્મક તત્વો/કર્મોનો ક્ષય કરી આંતરિક મનની શાંતિને પુષ્ટિ આપે છે. આ વૈશ્વિક મંત્રના રટણથી ઉભા થતાં વાઇબ્રેશન માનસિક અને શારિરીક આરોગ્ય બક્ષે છે. નર્વસ સિસ્ટમને શાંત કરે છે. વિચારોમાં સ્પષ્ટતા લાવે છે. વૈજ્ઞાનિકોના સંશોધનોના તારણમાં પણ મંત્ર અને મેડીટેશનનો પ્રભાવ માનવીને તણાવની સ્થિતિમાં શાંતિ આપવામાં કામયાબ થયાનું પુરવાર થયેલ છે. ચાલો આપણે સૌ આ નવકાર મહામંત્રના રટણના કાર્યક્રમમાં જોડાઇ વિશ્વ શાંતિની મંગલ કામના કરીએ!. જય જીનેન્દ્ર


comments powered by Disqus