ડીસા: ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગના સભ્ય અને ભારતના પંજાબના ગ્રેનેડ કેસમાં વોન્ટેડ બિક્રમજિત સિંઘની ડીસાથી ધરપકડ કરી છે. તે ગ્રેનેડની સપ્લાય અને સુરક્ષા એજન્સીઓના એકમો પર ગ્રેનેડ મારફતે વિસ્ફોટ કરાવવાનું કામ કરાવતો હતો. તે કેટલાક સમયથી ડીસાના એક ઢાબામાં છૂટક મજૂરીકામ કરી રહ્યો હતો.
પંજાબ પોલીસે ગુજરાત એટીએસને વોન્ટેડ આરોપીની માહિતી શૅર કરી હતી, જેની તપાસ કરતાં વોન્ટેડ આરોપી બિક્રમજિત અંગેની માહિતી મળતાં એટીએસે ટીમો બનાવી બનાસકાંઠા એસઓજીની મદદથી ડીસાના એક ઢાબાથી બિક્રમજિતની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં જણાયું કે, આરોપી આઈએસઆઈ માટે કામ કરતો પાકિસ્તાની ગેંગસ્ટર છે, જે ભારતના પંજાબમાં આતંકી પ્રવૃત્તિ કરે છે તેમજ સુરક્ષા એજન્સી, પોલીસ સ્ટેશન ખાતે ખ્યાતનામ વ્યક્તિ પર ગ્રેનેડ હુમલો કરાવતો હતો. આરોપી પંજાબથી દૂર રહી શહેઝાદ ભટ્ટી માટે પંજાબના સ્થાનિક માણસોને ગેંગમાં જોડતો અને ભટ્ટીની સૂચના મુજબ પોલીસ સ્ટેશન અને અન્ય સુરક્ષા એજન્સીનાં એકમો પર હુમલો કરાવવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો.

