ભાવનગરઃ મહાપાલિકાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાવનગરમાં ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટરે કોંગ્રેસમાં ગયાના બે કલાક બાદ જ ઘરવાપસી કરતાં ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી.
ભાવનગરના વડવા-બ વોર્ડમાં ગત ટર્મમાં ભાજપથી ચૂંટાયેલાં મહિલા નગરસેવક સેજલબહેન મહેશભાઈ ગોહેલે કોંગ્રેસની પ્રેસ કોન્સફન્સમાં ઉપસ્થિત રહીને કહ્યું હતું કે, હું હવે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ છું, કારણ કે ભાજપમાં મહિલાઓ સુરક્ષિત નથી, બુટલેગરોનો ત્રાસ છે. મારા અને મારા પતિ પર હુમલો થયો હતો, જે પાર્ટીમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. આ વાતને બે કલાકનો સમય વિત્યો નહોતો, ત્યાં જ મહિલા નગરસેવિકા ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યાં હતાં અને મીડિયા સમક્ષ કહ્યું હતું કે, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે ભાજપમાં પરત આવી ગઈ છું. મને ભરમાવી દીધી હતી.

