નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે ઈરાને હોમુંઝની ખાડીની નાકાબંધી કરી હોવા છતાં ભારતનાં 8 જહાજે ફૂડ અને એલપીજી સાથે હોર્મુઝની ખાડી પાર કરી દીધી છે. જો કે ભારતનાં હજુ 17 જહાજો અને ટેન્કર આ યુદ્ધગ્રસ્ત વિસ્તારને પાર કરી ભારત પહોંચવા લાઇનમાં ઊભાં છે. બીજી બાજુ ઘરઆંગણે સરકારે જણાવ્યું કે, ભારતમાં ક્રૂડ અને એલપીજીનો પર્યાપ્ત પુરવઠો છે. લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સાથે સરકારે એલપીજીના સંકટ વચ્ચે હવે ઘરેઘરે રસોડામાં ઇન્ડક્શનનાં સાધનો પહોંચે અને એલપીજીના બદલે પીએનજી તથા ઇન્ડક્શન સાધનોનો વપરાશ વધે તેની યોજના ઘડવા ઉચ્ચસ્તરીય આંતર મંત્રાલયની બેઠક યોજી હતી.
જહાજ ટ્રેકિંગ ડેટા મુજબ ભારતીય ધ્વજવાળા જહાજ ગ્રીન સાન્વીએ 44,000 મેટ્રિક ટન એલપીજી સાથે શુક્રવારે સાંજે ઈરાનના સમુદ્ર વિસ્તારમાંથી કોરિડોર મારફત હોર્મુઝની ખાડી પસાર કરી હતી. આ જહાજ હવે મુંબઈ પોર્ટ તરફ આગળ વધી રહ્યું છે. હવે ગ્રીન આશા અને જગવિક્રમ સહિત 17 ભારતીય જહાજ હોર્મુઝની ખાડી પાર કરવા માટે ઈરાનની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
ભારત સરકારને આશા છે કે અન્ય ફસાયેલાં 17 જહાજો પણ સકુશળ હોર્મુઝ ખાડીમાંથી પસાર થઈ જાય, જે માટે વિદેશ મંત્રાલય દ્વારા ઇરાન સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

