જામનગરઃ દાંતની સારવારઅર્થે લંડનથી આવેલી મહિલા કૌટુંબિક કારણોસર માનસિક રીતે ભાંગી પડતાં 181 અભયમની ટીમે સમયસૂચકતા વાપરી તેને સુરક્ષિત રીતે ડિપ્રેશનથી બહાર લાવી પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું. આ મહિલાએ જામનગરની એક હોટેલમાં રોકાણ કર્યું હતું. દરમિયાન દીકરીનો ફોન આવતાં અંગત કારણોસર તે ઊંડા આઘાતમાં સરી પડી હતી. તણાવ એટલી હદે વધી ગયો હતો કે, મહિલાએ પોતાની જાતને હોટેલના રૂમમાં કેદ કરી લીધી હતી અને અતિશય ચિંતાના કારણે બેભાન જેવી અવસ્થામાં ફસડાઈ પડી હતી. હોટેલ સ્ટાફે આ ગંભીર પરિસ્થિતિ અંગે 181 હેલ્પલાઇન પર સંપર્ક કરતાં જામનગર અભયમની ટીમે મહિલાને તણાવમાંથી ઉગારી હતી.
