કોલકાતાઃ મેનકા ગુરુસ્વામીએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લઈ ઇતિહાસ રચ્યો છે. તેઓ ભારતનાં પ્રથમ સાંસદ બન્યાં છે, જે LGBTQ (લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વીર) સમાજથી આવે છે. તેઓ સુપ્રીમ કોર્ટનાં વકીલ છે અને પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર બિનહરીફ ચૂંટાયાં હતાં. મેનકા ગુરુસ્વામી થર્ડ જેન્ડરમાં ગણાતાં LGBTQ લોકોના અધિકારોને લઈ પહેલેથી અવાજ ઉઠાવતાં રહ્યાં છે. તેઓ 1997થી વકીલાત કરી રહ્યાં છે. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટી, હાર્વર્ડ લો સ્કૂલ અને નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. બંધારણીય કાયદા, નાગરિક સ્વતંત્રતા જેવી બાબતો પર કાર્ય કરવા માટે તેઓ જાણીતાં છે.

