મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન જવાબદારી વધારનારું: શબાના આઝમી

Wednesday 08th April 2026 05:46 EDT
 
 

તલગાજરડાઃ મોરારિબાપુની પ્રેરણાથી છેલ્લાં 48 વર્ષથી મહુવાના તલગાજરડા ખાતે હનુમંત સંગીત નૃત્ય મહોત્સવનું આયોજન થતું રહ્યું છે. વર્તમાન વર્ષે હનુમાન જન્મોત્સવના ઉપલક્ષ્યમાં આ 49મો ચતુર્દિવસીય મહોત્સવ 2 એપ્રિલે સમાજના વિવિધ કલાકારો અને સમાજસેવીઓને વિવિધ એવોર્ડ અર્પણ કરીને સંપન્ન થયો હતો. જેમાં નટરાજ એવોર્ડ મેળવનારાં કલાકાર શબાના આઝમીએ જણાવ્યું કે, ‘મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત થયેલું આ સન્માન જવાબદારી વધારનારું છે.’
તલગાજરડા ખાતે હિન્દી ફિલ્મનાં અભિનેત્રી શબાના આઝમીને નટરાજ એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. આ સન્માનના પ્રતિભાવમાં અભિનેત્રી શબાના આઝમીએ કહ્યું કે, મને ઘણાં સન્માન અને એવોર્ડ્સ પ્રાપ્ત થયાં છે, પરંતુ આજે મોરારિબાપુના વરદ્ હસ્તે મળેલા એવોર્ડથી ધન્ય અનુભવું છું. એવોર્ડ પ્રાપ્ત થતાં સામાજિક જવાબદારી વધી છે તેવો અહેસાસ થઈ રહ્યો છે. તેઓએ વિવિધ કલાઓ દ્વારા સામાજિક ક્રાંતિ પણ થઈ શકે તેમ દૃઢતાપૂર્વક જણાવ્યું હતું. શબાના આઝમી પદ્મ પુરસ્કાર તથા વિવિધ ફિલ્મ જગતના એવોર્ડ મેળવી ચૂક્યાં છે. તેઓ રાજ્યસભાના મનૌનિત સભ્ય પણ રહી ચૂક્યાં છે.
ચતુર્દિવસીય આ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે તમે સૌ કલાસાધકો અમારી આ વંદના કબૂલ કરવા અહીં આવો છો, તેનાથી અમે જાતને ગૌરવપૂર્ણ સમજીએ છીએ. જીવનમાં સાત આહાર એવા છે, જે આપણી ઊર્જાને ઊર્ધ્વગામી કરે છે. જેમાં ગાયન, વાદન, નર્તન, એકાંત, મૌન, મંત્ર અને ભજનને મૂકી શકાય. હનુમાનજી મહારાજ આ વિવિધ વિદ્યાની પ્રસ્તુતિથી પ્રસન્ન થાય છે, એટલે કલા પણ એક પ્રકારનો આહાર જ છે. હનુમાનજી મહારાજ સમાજના વિવિધ વર્ગના લોકોની ખોજ કરીને એક સેતુ બનાવે છે.
આજના સમારંભમાં બનારસથી જગતગુરુ સંતોષદાસજી મહારાજ, ઓમકારેશ્વરથી મુરલી બાબા, કાશી વિશ્વનાથથી મહામંડલેશ્વર ગોપાલબાબા તથા વિવિધ ગુણીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંચાલક અને ગાયક હરિશ્ચંદ્ર જોશીની અવિરત 50 વર્ષની આ ક્ષેત્રની સેવાને બાપુએ બિરદાવીને તેમનું પણ સન્માન કર્યું હતું. સમગ્ર આયોજનની સફળતામાં સંયોજક જયદેવભાઈ માંકડ તથા સંગીતની દુનિયાના નિલેશભાઈ વાવડિયા વગેરે જોડાયા હતા.


comments powered by Disqus