લગ્નની અનોખી પરંપરા, જ્યાં નણંદ ભાભી સાથે ફેરા ફરે છે

Wednesday 08th April 2026 06:35 EDT
 
 

નસવાડીઃ છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામે પોતાની અનોખી પરંપરાને કારણે એક અલગ ઓળખ બનાવી છે. આ ગામમાં આજદિન સુધી કોઈ વરરાજા ઘોડે ચઢીને જાન લઈને ગયા નથી કે વરરાજા જાન લઈ પરણવા આવ્યા નથી.
અનોખી પરંપરા
અંબાલા ગામની સદીઓ જૂની પરંપરા ખૂબ જ વિશિષ્ટ છે. અહીં વરરાજાની કુંવારી બહેન જ જાન લઈને આવે છે, અથવા જાન લઈ પરણવા જાય છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરાની પાછળ ધાર્મિક માન્યતા જોડાયેલી છે. જેમાં ગામના દેવ ‘બાબાભરમા’ અન્ય લોકોનાં લગ્ન કરાવતા રહ્યા, પરંતુ પોતે કુંવારા જ રહ્યા. સદીઓ પહેલાં ગામદેવના આ ત્યાગના માનમાં ગ્રામજનોએ વર્ષો પહેલાં નક્કી કર્યું કે ગામથી કોઈ વરરાજા ઘોડે ચઢીને જાન લઈને નહીં જાય અને કોઈ વરરાજા જાન લઈ પરણવા પણ નહીં આવે. આ પરંપરા સદીઓ બાદ આજે પણ નિભાવતાં વરરાજાની કુંવારી બહેન માથે પાટી (વરરાજાની સામગ્રી) મૂકી જાન લઈ પરણવા આવે છે અથવા જાન લઈને પરણવા જાય છે. લગ્નવિધિ દરમિયાન નણંદ અને ભાભી મળીને મંગળફેરા કરે છે. મંગળફેરા બાદ કન્યાને વરરાજાના ઘરે લઈ જવાય છે, જ્યાં ફરીથી લગ્નવિધિ કરીને દંપતીને વૈવાહિક બંધનમાં બાંધવામાં આવે છે.
અંબાલા ગામના સૂરસિંહ રાઠવાએ જણાવ્યું કે, આ પરંપરા અમારા ગામના લોકો આજેપણ અડગ રીતે નિભાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ભૂતકાળમાં બે વરરાજા ઘોડે ચઢીને જાન લઈને ગયા હતા, પરંતુ તેમનું લગ્નજીવન સફળ રહ્યું નહોતું.


comments powered by Disqus