લોકઅપમાં પિતા-પુત્રની હત્યાના ગુનામાં 9 પોલીસ કર્મચારીને ફાંસી

Wednesday 08th April 2026 06:34 EDT
 

મદુરાઈઃ તમિલનાડુની મદુરાઈ કોર્ટે સથાનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં 9 પોલીસકર્મીને મૃત્યુદંડની સજા સંભળાવી છે. આ મામલો 2020માં પિતા-પુત્રના કસ્ટડીમાં થયેલાં મૃત્યુ સાથે સંબંધિત છે. 6 વર્ષ ચાલેલી સુનાવણી બાદ ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જી.મુથુકુમારને તમામ આરોપીઓને હત્યા અને અન્ય કલમો હેઠળ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે સીબીઆઈની દલીલ સ્વીકારી કે કસ્ટડીમાં આપવામાં આવેલી યાતના સુનિયોજિત હતી. આખી રાત ટોર્ચર કરાયું હતું. કોર્ટે તેને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવ્યું છે.
વાસ્તવમાં, આ મામલો 19 જૂન 2020નો છે. પોલીસે 59 વર્ષીય વેપારી પી.જયરાજ અને તેમના 31 વર્ષીય પુત્ર જે.બેનિક્સને લોકડાઉન દરમિયાન દુકાન ખુલ્લી રાખવાના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. બંનેને સથાનકુલમ પોલીસ સ્ટેશને લઈ જવાયા બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, જ્યાં થોડા જ દિવસોમાં તેમનું મૃત્યુ થયું હતું. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ સ્ટેશનમાં આખી રાત બંને સાથે મારપીટ કરવામાં આવી હતી.
દોષિત ઠેરવાયેલા પોલીસકર્મીઓ
દોષિત ઠેરવવામાં આવેલા પોલીસકર્મીઓમાં એસ. શ્રીધર, સબ-ઇન્સ્પેક્ટર રઘુ ગણેશ અને કે. બાલકૃષ્ણન, હેડ કોન્સ્ટેબલ એસ. મુરુગન અને એ. સમદુરાઈ, તથા કોન્સ્ટેબલ એમ. મુથુરાજ, એસ. ચેલદુરાઈ, થોમસ ફ્રાન્સીસ અને એસ. વેલુમુથુનો સમાવેશ થાય છે. આ કેસમાં 10મા આરોપી સ્પેશિયલ સબ ઇન્સ્પેક્ટર પૌલદુરાઈનું ટ્રાયલ દરમિયાન કોવિડથી મૃત્યુ થયું હતું.


comments powered by Disqus