વિકાસના નામે સેલવાસથી આદિવાસીઓને ભગાડાય છેઃ ભાજપ સાંસદ કલા ડેલકર

Wednesday 08th April 2026 06:35 EDT
 
 

વાપીઃ સંઘપ્રદેશ સેલવાસમાં સ્માર્ટ સિટી માટે રૂ. 1 હજાર કરોડના આંધણ બાદ પણ હજુ અડધાથી વધુ કામ અધૂરાં હોવાની લોકસભામાં રજૂઆત કરાઈ હતી. ભાજપના મહિલા સાંસદ કલાબહેન ડેલકરે લોકસભામાં જણાવ્યું હતું કે, પ્રશાસન વિકાસના નામે આદિવાસીઓની જમીન ઝૂંટવી તેમને બેઘર કરી રહ્યું છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ આદિવાસી વિરોધી હોવાથી તેને તાત્કાલિક અસરથી રદ્દ કરાય.
10 વર્ષ બાદ પણ 50 ટકા કામ બાકી
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસનો સ્માર્ટ સિટીમાં સમાવેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા રસ્તા, પાણી, વીજળી, ગટર જેવી પાયાની સુવિધાઓ માટે રૂ. 1 હજાર કરોડથી વધુનું ફંડ અપાયું હતું. જો કે સ્માર્ટ સિટીની કામગીરી 10 વર્ષ અગાઉથી શરૂ થઈ હોવા છતાં 50 ટકાથી વધુ કામ હજુ અઘ્ધરતાલ છે, જે અંગે લોકસભામાં ભાજપનાં મહિલા સાંસદ કલાબહેન ડેલકર દ્વારા જણાવાયું હતું કે, સ્માર્ટ સિટીનાં મોટાભાગનાં કામ હજુ પૂરા થયાં નથી. અધૂરાં કાર્યોને પ્રશાસન નવી યોજના હેઠળ આવરી લેવા પ્રયાસ કરી રહ્યું છે.
આદિવાસીઓની જમીન ઝૂંટવી
કલાબહેને જણાવ્યું હતું કે, પ્રશાસન વિકાસના નામે આદિવાસીઓની જમીન ઝૂંટવી રહ્યું છે. વિકાસના નામે પ્રશાસન આદિવાસીઓને તેમની જમીનથી ભગાવી રહ્યું છે. લોકસભામાં પ્રશ્ન ઉઠાવતાં તેમણે જણાવ્યું કે, શું વિકાસની પરિભાષામાં સ્થાનિકોની સહમતીને કોઈ સ્થાન નથી? પ્રશાસન જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર કામ કરી રહ્યું છે. પ્રશાસન દ્વારા લાગુ ટાઉન પ્લાનિંગ સ્કીમ આદિવાસી વિરોધી હોવાથી તાત્કાલિક રદ કરવી જોઈએ. કલાબહેને અસરગ્રસ્ત આદિવાસીઓને યોગ્ય વળતર આપવા અને પુનર્વસનની કામગીરી શક્ય બનાવવા અપીલ કરી હતી.


comments powered by Disqus