સરહદ ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1264 કરોડ

Wednesday 08th April 2026 05:46 EDT
 
 

અંજાર: સરહદ ડેરી દ્વારા વર્ષ 2025-26માં ટર્નઓવરમાં ઐતિહાસિક વૃદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી. વર્ષ 2024-’25માં રૂ. 1208 કરોડની સામે વર્ષ 2025-’26માં 4.64 ટકાના વધારા સાથે રૂ. 1264 કરોડનું ટર્નઓવર થયું છે. ડેરી દ્વારા ગત નાણાકીય વર્ષમાં લગભગ તમામ ક્ષેત્રોમાં અસરકારક કામગીરી કરવામાં આવી છે.
સરહદ ડેરી દ્વારા દૈનિક 4.47 લાખ લિટર દૂધ ઉત્પાદન નોંધાયું છે, તો ઊટડીના દૂધમાં વર્ષ 2024-’25માં 4754 લિટર સામે વર્ષ 2025-’26માં 8.50 ટકાના વધારા સાથે 5158 લિટર દૂધ સંપાદન થયું છે અને ગતવર્ષે 8.72 કરોડનું ચુકવણું કરાયું હતું. આ વર્ષે રૂ. 9.60 કરોડનું ચુકવણું ઊંટપાલકોને કરાયું છે. સરહદ ડેરીનાં ઉત્પાદકોના જીવનધોરણમાં પણ સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે.
સમયની સાથે દૂધ પ્રોસાસિંગ પ્લાન્ટનાં ઉત્પાદનમાં પણ 5.76 ટકાનો વધારો થયો છે, જ્યારે આઇસક્રીમના વેચાણમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024-’25માં 42.52 લાખ લિટરની સામે વર્ષ 2025-’26માં 44.25 લાખ લિટર આઇસક્રીમ વેચાયો છે. અમૂલ આઇસક્રીમના વેચાણમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે. આગામી વર્ષે 130થી વધુ અલગ અલગ વાનગી ઉમેરવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કરાયો છે. કેટલ ફીડના વેચાણમાં પણ 20 ટકાનો વધારો થયો છે.
હજુ વધુ ગતિ પકડી આગળ વધીશું
આ અંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે કહ્યું કે, પશુપાલકોના અવિરત પરિશ્રમ અને સહકારના પરિણામે જ આ લક્ષ્યાંક પ્રાપ્ત થયા છે. આગામી સમયમાં આધુનિક પ્લાન્ટ, નવી ઉત્પાદન લાઇન અને રોજગારીની તકો ઊભી કરીને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવીને ડેરીના દરેક નિર્ણયમાં પશુપાલકોના હિતને કેન્દ્રસ્થાને રખાયું છે. આગામી વર્ષમાં રૂ. 1350 કરોડના ટર્નઓવરનું લક્ષ્યાંક રાખીને વધુ ગતિથી આગળ વધી.


comments powered by Disqus