નવી દિલ્હીઃ ભારતની સરકારી ડિફેન્સ કંપની હિન્દુસ્તાન એરોનોટિકસે અમેરિકાની જનરલ ઈલેક્ટ્રિક કંપનીને એફ 404 પ્રકારનાં 99 એન્જિનોનો ઓર્ડર આપ્યો હતો. આ એન્જિનની ડિલિવરી ભારતીય કંપનીને 2024ના અંતે મળી જવાની હતી, પરંતુ અમેરિકન કંપનીએ સમયસર એન્જિનો આપ્યાં નહીં, તેના કારણે સ્વદેશી તેજસ લડાકુ વિમાનોના પ્રોડક્શનને અસર થઈ છે. સમયસર એન્જિન ન આપનારી અમેરિકન કંપની સામે હવે ભારતીય કંપનીએ કેસ કર્યો છે.
સ્વદેશી ફાઇટર પ્લેન તેજસમાં અમેરિકાની જનરલ ઈલેક્ટ્રિકના એફ 404 પ્રકારનાં એન્જિન વપરાય છે. ભારતીય કંપનીએ અમેરિકન કંપની સાથે કરેલા કરાર પ્રમાણે 2024 સુધીમાં અમેરિકન કંપની ભારતને 99 એન્જિન આપવાની હતી, જે માટે 70 કરોડ ડોલરની કિંમતનો ઓર્ડર અપાયો હતો. અમેરિકન કંપનીએ માત્ર 6 એન્જિનની ડિલિવરી જ કરી છે. ભારતીય કંપની દ્વારા અનેક વખત રજૂઆત છતાં એન્જિનો મળ્યાં નહીં. આ દરમિયાન 2025માં વધુ 113 એન્જિનો માટે નવેસરથી કરાર થયો હતો, છતાં હજુ એન્જિનોની ડિલિવરી કરી નથી.

