અમદાવાદઃ ટીવી એક્ટ્રેસ દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર મયુર વાકાણીએ કહ્યું કે, મારા પપ્પાને દોઢ વર્ષ પહેલાં પેરાલિસિસ થયો હતો અને થોડા સમય પહેલાં ન્યૂમોનિયા થયો હતો. તેઓ હોસ્પિટલમાં જ હતા, ત્યારે 7 એપ્રિલે મંગળવારે સવારે 8:30 વાગ્યે તેમનું અવસાન થયું.
ભીમ વાકાણી વર્ષોથી અભિનેતા તરીકે સક્રિય હતા અને રંગભૂમિ, ટેલિવિઝન તેમજ સિનેમા આ ત્રણેય માધ્યમોમાં ખેડાણ કરી ચૂક્યા છે. અમદાવાદમાં વાકાણી થિયેટર્સના બેનર હેઠળ તેઓ નાટકો પ્રોડ્યુસ કરે, ડિરેક્ટ કરે અને તેમાં અભિનય પણ કરે. પિતાના દિગ્દર્શન હેઠળ ‘મંગળફેરા’, ‘પહેલો સગો’ જેવાં નાટકોમાં દિશાએ બાળકલાકાર તરીકે નાની-નાની ભૂમિકાઓ ભજવી હતી.
આમિર-શાહરુખ
સાથે કર્યું કામ
ભીમ વાકાણીએ ગુજરાતી થિયેટરમાં લાંબો સમય વિતાવ્યો છે. તેમણે આમિર ખાને ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મ ‘લગાન’માં કાજીસાહેબની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત શાહરુખની ‘સ્વદેશ’ અને માધુરીની ‘લજ્જા’ ફિલ્મમાં પણ તેમણે ભૂમિકા ભજવી હતી.

