JeM, LeT અને JuD સાથે જોડાયેલા 23ને આતંકી જાહેર કરાયા

Wednesday 08th July 2026 06:50 EDT
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સાથે સંબંધિત 23 લોકોને અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ)ની કલમ 35 હેઠળ આતંકી જાહેર કર્યા છે. આ આતંકી તત્ત્વો જૈશ-એ-મોહંમદ, લશ્કર-એ-તોઇબા, જમાત-ઉદ-દાવા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા છે. ભારતે પાકિસ્તાનમાં રહેલા જે 23 લોકોને આતંકી જાહેર કર્યા છે તેમની વિરુદ્ધ ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલા કરવા, આતંકીઓને તાલીમ આપવા, ઘૂસણખોરી કરાવવી તેમજ લોજિસ્ટિક સપોર્ટથી લઈ નાણાકીય સેવાઓ પૂરી પાડવી, હથિયારો સપ્લાય કરવાં, હથિયારોની ડ્રોન દ્વારા ડિલિવરી કરવી તેમજ આતંકી ઘટનાઓનાં પ્લાનિંગ કરવાના આરોપ છે.
કેન્દ્ર સરકારે જે લોકોને આતંકવાદી જાહેર કર્યા છે તેમાં 22 એપ્રિલ, 2022ના રોજ જમ્મુના સુંજવાનમાં સુરક્ષા દળો અને 29 નવેમ્બર, 2016ના રોજ નગરોટામાં ભારતીય સેનાના કેમ્પ પર હુમલા કરવાના આરોપી પણ સામેલ છે. શનિવારે આતંકી જાહેર કરાયેલા 23 લોકો પૈકી 17 પાકિસ્તાની છે અને 6 ભારતીય નાગરિકો પણ તેમાં સામેલ છે.


comments powered by Disqus