અદાણી ગ્રીન એનર્જીની ક્ષમતા 20 ગિગાવોટને પાર

Wednesday 08th July 2026 06:51 EDT
 
 

મુન્દ્રાઃ ભારતની સૌથી મોટી રિન્યૂએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.એ 20 ગિગાવોટની કાર્યરત્ રિન્યૂએબલ એનર્જી ક્ષમતાનો આંક વટાવી ગ્રીનફિલ્ડ વિકાસ મારફતે આ સીમાચિન્હ હાંસલ કરનારી ભારતની પ્રથમ રિન્યૂએબલ એનર્જી કંપની બની છે.
સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરતી અદાણી ગ્રીનનું યોગદાન ભારતના વીજવપરાશના લગભગ 3 ટકા છે, જે ન્યૂયોર્કને એક વર્ષ માટે તથા સમગ્ર મુંબઈ અને નવી દિલ્હીની વીજળીમાગ સંતોષવા જેટલું છે. તામિલનાડુના કામુથી ખાતે અદાણી ગ્રીન એનર્જીના વર્ષ 2016માં પ્રથમ રિન્યૂએબલ એનર્જી પ્રકલ્પ કાર્યરત્ કર્યાના એક દાયકામાં જ હાંસલ કરવામાં આવેલું આ સિમાચિન્હ ભારતના સૌથી વિરાટ અને ઝડપી ગ્રીનફિલ્ડ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં ઉમેરો દર્શાવે છે. ગત નાણાકીય વર્ષ 2026માં કંપનીએ 5,051 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ઉમેરી હતી, જે ચીન બાદ સૌથી મોટી વાર્ષિક રિન્યૂએબલ એનર્જી ક્ષમતા છે.
કચ્છના ખાવડામાં 538 ચોરસ કિ.મી.ની રણ વિસ્તારમાં આકાર લઈ રહેલા અને વિકાસના આગામી તબક્કાનું કેન્દ્રબિંદુ અદાણી ગ્રીન એનર્જીના વિશ્વના સૌથી મોટા નવીનીકરણીય ઊર્જા પ્લાન્ટની આયોજિત ક્ષમતા 30 ગિગાવોટ છે. હાલ આ સ્થળે 9.5 ગિગાવોટ સૌરઊર્જા ક્ષમતા કાર્યરત્ છે અદાણી ગ્રીન એનર્જી લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું કે, વર્ષ 2026માં રિન્યૂએબલ એનર્જી 20 ગિગાવોટને વટાવી તે ગ્રોથ દર્શાવે છે. કંપનીની કાર્યરત્ ક્ષમતામાં લગભગ 14.2 ગિગાવોટ સૌર, 2.7 ગિગાવોટ પવન અને 3.3 ગિગાવોટ પવન-સૌર હાઇબ્રીડ સામેલ છે.


comments powered by Disqus