અમદાવાદઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદ સાથે સંકળાયેલા 8 આતંકીને ગુજરાત-મધ્યપ્રદેશમાંથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવાયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા, નવસારીમાં રહેતા સ્થાનિક તત્ત્વોએ જૈશ-એ-મોહંમદની આતંકી પ્રવૃત્તિને ગુજરાતમાં મોટા પ્રમાણમાં સક્રિય કરવા દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહંમદ નામનું સંગઠન બનાવીને તેમાં યુવાનોને ઉશ્કેરીને જોડવાનું શરૂ કર્યું હતું. આતંકીઓ ગુજરાતથી ટેરર ફંડ પણ એકઠું કરી રહ્યા હતા. એટીએસને આતંકીઓ પાસેથી વાંધાજનક ડોક્યુમેન્ટ અને ફ્લેગ મળ્યા હતા. આતંકીઓ આગામી સમયમાં ગુજરાતમાં મોટાપ્રમાણમાં ભાંગફોડની પ્રવૃત્તિને અંજામ આપવાની ખતરનાક યોજના બનાવતા હતા.
ગુજરાત એટીએસ દ્વારા જૈશના મોડ્યૂલના કાવતરામાં પકડાયેલા 8 આતંકીઓને લોખંડી જાપ્તા વચ્ચે કડી કોર્ટમાં રજૂ કરાયા હતા. એટીએસએ કોર્ટ સમક્ષ મોટો ખુલાસો કર્યો હતો કે, પકડાયેલા આતંકીઓનો પાકિસ્તાની હેન્ડલર અબ્દુલ્લા ઉર્ફે શાયરી બાઝ સાથે સીધો સંપર્ક અને કાશ્મીરી કનેક્શન ખૂલ્યું છે, તેથી તે દિશામાં સંવેદનશીલ તપાસ કરવાની છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસે જૈશ-એ-મોહંમદના પકડેલા 8 આતંકીઓ પૈકી 6 આતંકી પાલનપુર પંથકના હોવાનો ખુલાસો થતાં ભાગળ પંથક આતંકી ગતિવિધિઓનું એપિસેન્ટર બન્યું હોય તેવો ઘાટ ઘડાયો છે.

