ભારત અને યુકેના વ્યાપારિક સંબંધો આકાશને આંબવા માટે તૈયાર છે, ત્યારે ગુજરાતના રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમની ટીમ સાથે યુકેની મુલાકાત લીધી. ગુજરાતમાં રોકાણને આકર્ષવા તેમણે યુકેના અનેક ગુજરાતી-ભારતીય ઉદ્યોગપતિઓની સાથે સ્થાનિક ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી. આ સાથે કનુભાઈ દેસાઈ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન (NCGO)-UK અને શ્રી કચ્છ લેઉઆ પટેલ કોમ્યુનિટી - SKLPC (UK) આયોજિત લંડનના ઇન્ડિયા ગાર્ડન્સમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈની સાથે તેમની ટીમના ત્રણ આઇએએસ હાજર રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એડિશનલ સેક્રેટરી વિક્રાંત પાંડે, મમતાબહેન વર્મા અને અમિત યાદવ હાજર રહ્યા હતા.
યુકે આવેલા ગુજરાત રાજ્ય નાણામંત્રીનો સત્કાર કરવા ગુજરાતી ડાયસ્પોરાના ઉત્સુકતાને જોતાં NCGOના ટ્રેઝરર અને ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ બીજેપી કોર મેમ્બર દીપકભાઈ પટેલે અને ઇન્ડિયા ગ્લોબલ ફોરમના ફાઉન્ડર - ચેરમેન મનોજભાઈ લાડવાના માર્ગદર્શનમાં રહી કનુભાઈ દેસાઈ અને તેમની ટીમનો સંપર્ક કરી ગુજરાતી ડાયસ્પોરા સાથે મુલાકાતનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવનો નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો હતો. આમ ઇન્ડિયા ગાર્ડન્સ ખાતે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન (NCGO)-UK અને શ્રી કચ્છ લેઉઆ પટેલ કોમ્યુનિટી - SKLPC (UK) દ્વારા ગુજરાત સરકારના માનનીય નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ માટે એક ખાસ સ્વાગત સમારંભનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈએ ગુજરાતી ડાયસ્પોરાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનકાળમાં થયેલાં વિકાસકાર્યો, ગુજરાતની વિકાસગાથા, રોકાણકારોને ગુજરાત કેમ આકર્ષી રહ્યું છે ઉપરાંત યશસ્વી વડાપ્રધાનના રેકોર્ડબ્રેક શાસનની સિદ્ધિઓ વર્ણવી માહિતી આપી હતી. આ ઉપરાંત કનુભાઈએ મોદી સરકાર દ્વારા આગામી વર્ષ 2047 સુધીના રોડમેપની પણ વિગતે ચર્ચા કરી હતી.
કનુભાઈએ ગુજરાતી સમાજને તેમનું ગૌરવ યાદ અપાવતાં કહ્યું હતું કે, ગુજરાતી વિશ્વના કોઈપણ ખૂણે એક વ્યવસાયી રૂપે પોતાની આગવી ઓળખ મેળવી જ લે છે, જેઓ ગુજરાત સાથે વ્યવસાય કરી યુકે અને ભારત બંનેને ફાયદો અપાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદૃષ્ટિતાના ભાગરૂપે યુકે સાથે ભારતના થયેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA) બાદ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતમાં ઉદ્યોગોને અને સંભવિત રોકાણને આકર્ષવા યુકે પ્રવાસ ખેડ્યો છે. FTA હેઠળ જ્યારે 15 જુલાઈથી ફ્રી ટ્રેડ શરૂ થઈ રહ્યું છે, ત્યારે નાણામંત્રીનો આ પ્રવાસ ખૂબ મહત્ત્વનો છે. નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતમાં રોકાણ કરવા ઇચ્છુક ઉદ્યોગપતિ માટે અમે લાલજાજમ પાથરી છે અને બેથી ત્રણ સ્ટેપમાં જ ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગ માટે હરીઝંડી મળી જશે.

