ભવન દ્વારા બહુવિષયી ભારતીય સંસ્કૃતિ દર્શાવતાં પ્રદર્શનની પ્રસ્તુતિ

Wednesday 08th July 2026 06:35 EDT
 
 

લંડનઃ ધ ભવન દ્વારા 27 અને 28 જૂન 2026 શનિવાર અને રવિવારના દિવસોએ બહુસ્તરીય ભારતીય સંસ્કૃતિના અનોખું અને તલ્લીન બનાવતા પ્રદર્શનની પ્રસ્તુતિ કરાઈ હતી જેને અશ્વિન શેષાદ્રિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં સ્ટોરીટેલિંગ, કોયડાઓ, સાહજિક રમતો, જીવંત અનુભવો અને અદ્ભૂત શોધોના ઈનોવેટિવ સંમિશ્રણ થકી ભારતની પ્રાચીન પરંપરાઓના જ્ઞાન, તેજસ્વિતા, સર્જનાત્મકતા અને સમયાતીત શાણપણને દર્શાવવામાં આવ્યું હતું. તમામ વયના મુલાકાતીઓને આકર્ષવા તૈયાર કરાયેલા પ્રદર્શને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાને સુલભ અને પ્રેરણાદાયક રીતે જીવંતતા બક્ષી હતી. મુલાકાતીઓએ દંતકથારૂપ 64 કળાઓ, વેદ, વેદાંત અને ઉપનિષદો તેમજ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પરંપરાઓ, વિશ્વ સંગીતવાદ્યો, સ્થાપત્ય, ખગોળશાસ્ત્ર, ગણિત, વિજ્ઞાનો, ભાષાઓ, હસ્તપ્રતો અને રામાયણ મહાકાવ્ય સહિત વિવિધ અને વ્યાપક વિષયોનો લાભ લીધો હતો.
સમગ્ર વીકએન્ડ દરમિયાન, પ્રદર્શનમાં નિષ્ણાતો, ભારતીય કળા પ્રકારોના સાધકો દ્વારા સંસ્કૃત, વેદ અને ઉપનિષદો સંબંધિત શ્રેણીબદ્ધ પેનલચર્ચાઓ પણ યોજાઈ હતી. આ સત્રો થકી મુલાકાતીઓને અર્થસભર સંવાદ અને શીખવાના ઉત્સાહ સાથે ભારતની દાર્શનિક અને કળા પરંપરાઓને ઊંડાણપૂર્વક સમજવાની તક સાંપડી હતી. મુલાકાતીઓએ રામાયણ દ્વારા પ્રેરિત સંખ્યાબંધ ઈનોવેટિવ અને ઈન્ટરએક્ટિવ ડિસ્પ્લેઝ પણ નિહાળ્યા હતા, જેમાં મહાકાવ્યના મિનિએચર દૃશ્યોનો સમાવેશ થયો હતો. મુલાકાતીઓ QR કોડ્સ સ્કેન કરીને આ કથાઓની વાસ્તવિક સ્વરૂપની પ્રસ્તુતિ નિહાળી શકતા હતા. અન્ય દિલચસ્પ એક્ટિવિટીમાં પાર્ટિસિપેન્ટ્સને શબ્દોની યાદી નીચે ખાસ ડિઝાઈન કરેલા સ્ટેન્સિલ મૂકવા જણાવાતું હતું અને સ્ટેન્સિલ મારફત જોવાથી છુપાયેલી કવિતા જાણવા મળતી હતી. બે દિવસમાં આશરે 400 લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી, જેમાં પાર્ટિસિપેન્ટ્સે ઉત્સાહપૂર્વક ઈન્ટરએક્ટિવ ડિસ્પ્લેસ, ચર્ચાઓ અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.


comments powered by Disqus