મુંબઈ-પુણેમાં મહાતોફાની વરસાદથી 13નાં મોત

Wednesday 08th July 2026 06:50 EDT
 
 

મુંબઈઃ પુણે અને મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર પર મેઘરાજાએ મુકામ જમાવતાં એક સપ્તાહથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. તેમાં પણ છેલ્લા સતત ત્રણ-ચાર દિવસથી રેડ એલર્ટ વચ્ચે અતિભારે વરસાદ ખાબકતાં જનજીવનને વ્યાપક અસર થઈ છે.
મુંબઈના વિવિધ વિસ્તારોમાં એક દિવસમાં જ 8થી 10 ઈંચ વરસાદ થયો હતો. જો કે મુંબઈ-પુણે વચ્ચેના ઘાટ વિસ્તારમાં 20થી 25 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો, તો લોનાવાલામાં 28 ઈંચ જેટલો વરસાદ થયો હતો. હવામાન ખાતાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર વરસાદની નોંધણી શરુ થઈ ત્યારથી લોનાવાલામાં 24 કલાકમાં મહત્તમ વરસાદનો આ વિક્રમ છે. ભારે વરસાદને પગલે ભેખડ ધસી પડતાં પુણે મિસિંગ લિંક તથા જૂનો પુણે હાઈવે પણ બંધ કરવા પડ્યા હતા. બીજી તરફ કર્જત પાસે ટ્રેક ધસી પડતાં મુંબઈ-પુણે વચ્ચે ટ્રેન વ્યવહાર પણ ઠપ થયો હતો. વિરાર પાસે ટ્રેક પર પાણી આવતાં મુંબઈથી ગુજરાત વચ્ચે ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી હતી. આ સિવાય 20થી વધુ ટ્રેન રદ કરવાની અથવા ટુંકાવવાની ફરજ પડી હતી.
મુંબઈમાં મધરાત પછી 80 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતાં ડરના માર્યા મુંબઈગરાની રાતની ઊંઘ વેરણ બની હતી. રાયગઢ જિલ્લામાં પૂરમાં બસ સહિતનાં વાહનો ફસાતાં પ્રવાસીઓને એનડીઆરએફની ટીમ સહિતની રેસ્ક્યૂ એજન્સીઓ દ્વારા બચાવાયા હતા. રાયગઢ જિલ્લામાં ઠેરઠેર ભૂસ્ખલન તથા હાઈવે પર પાણી ભરાતાં મુંબઈ-ગોવા હાઈવે પણ બંધ થયો હતો અને કેટલાંય વાહનો ફસાઈ ગયાં હતાં. લગભગ 12 કલાક સુધી હાઈવે બંધ રાખવો પડ્યો હતો. મુંબઈ એરપોર્ટ પર 17 ફલાઈટ્સ રદ કરાઈ હતી આ ઉપરાંત બીજી પાંચ ફલાઈટ અન્ય શહેરો તરફ ડાઇવર્ટ કરાઈ હતી.


comments powered by Disqus