વડનગરમાં તાના-રિરિને સ્મરણાંજલિઃ સંગીત સંગ્રહાલય સાકાર થયું

Wednesday 08th July 2026 06:51 EDT
 
 

મહેસાણાઃ વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજા નંબરનું ‘સંગીત સંગ્રહાલય’ તૈયાર થઈ રહ્યું છે. રૂ. 71.5 કરોડના ખર્ચે 6591 ચોરસ મીટરમાં તાના-રિરિની સ્મૃતિમાં 8 થિમેટિક ગેલેરી અને 360 ડિગ્રી ઇમર્સિવ પ્રોજેક્શન સાથે તૈયાર થયેલું આધુનિક મ્યુઝિયમ સંગીતની અનોખી સફર કરાવશે. એટલું જ નહીં કૃત્રિમ વાતાવરણમાં મલ્હાર રાગના સ્વરો સાથે હળવા વરસાદની અનુભૂતિ થશે, જે ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખૂલશે. નિયામક સંગ્રહાલય કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ બનેલા આ સંગીત સંગ્રહાલયને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને ચાલુ મહિનામાં જ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં આ પ્રકારનું પ્રથમ મ્યૂઝિયમ બેંગલુરુમાં આવેલું છે, જ્યારે બીજું વડનગરમાં તૈયાર થયું છે.
તાના-રિરિની ગાથા ફરી ગૂંજશે
આ મ્યુઝિયમની સૌથી મોટી વિશેષતા વડનગરની જ વતની અને 16મી સદીની પ્રખ્યાત સંગીતકાર બહેનો તાના અને રિરિની પ્રેરણાદાયી કથા હશે. સંગીતની આ ઉપચારક અને આધ્યાત્મિક શક્તિની વાર્તા દ્વારા વડનગરના સાંસ્કૃતિક મહત્ત્વને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરાશે.
અનોખું આકર્ષણ ‘મલ્હાર રાગ’ ગેલેરી
અહીં તૈયાર કરાયેલા કૃત્રિમ વાતાવરણમાં મલ્હાર રાગના સ્વરો સાથે હળવા વરસાદની અનુભૂતિ થાય છે, જે સંગીત અને કુદરત વચ્ચેના અદ્ભુત સંબંધને જીવંત બનાવે છે. ઉપરના માળે શાસ્ત્રીય અને ધાર્મિક સંગીતના વિભાગો છે, જ્યારે નીચેના માળે લાઇવ ડીજે, કોન્ફરન્સ રૂમ અને લાઇવ પર્ફોર્મન્સ માટેની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. બહારના ભાગમાં મુકાયેલા 8 મ્યુઝિકલ શિલ્પો મુલાકાતીઓને જાતે વગાડી સંગીતનો આનંદ માણવાની અનોખી તક આપે છે.
આ ગેલેરીઓ મુખ્ય આકર્ષણ બનશે
1. આદિમ અને નિસર્ગ સંગીત ગેલેરી: માનવજાતિના પ્રારંભિક કાળની ધ્વનિઓ અને કુદરતી વાતાવરણમાંથી ઉદ્ભવેલા સંગીતની પ્રેરણા દર્શાવશે.
2. લોક અને ભક્તિ સંગીત ગેલેરી: ભારતના વિવિધ પ્રદેશોનાં લોકવાદ્યો, ભજન, કીર્તન અને સૂફી સંગીતનો આધ્યાત્મિક વારસો અહીં જોવા મળશે.
3. જન અને રાગ સંગીત ગેલેરી: સામાજિક ચળવળોમાં સંગીતની ભૂમિકા અને ભારતીય શાસ્ત્રીય સંગીતના વૈજ્ઞાનિક પાસાં રજૂ કરાશે.
4. સંગમ ગેલેરી: વિવિધ સંસ્કૃતિઓના મિલનથી સર્જાયેલા સંગીત સ્વરૂપનું પ્રદર્શન
હાઇટેક ટેકનોલોજી અને વૈશ્વિક સુવિધા
સંગ્રહાલયમાં મુલાકાતીઓ સંગીતને માત્ર માણશે નહીં પણ અનુભવશે. આ માટે 360 ડિગ્રી ઇમર્સિવ પ્રોજેક્શન, ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ અને ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટોલેશન્સ ગોઠવાયાં છે.


comments powered by Disqus