અશોક ચૌધરી પાસેથી છૂટાછેડા લેવા જ નહોતા, પરિવારે બળજબરી કરીઃ કિંજલ રબારી

Wednesday 09th September 2026 06:29 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતી ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણમાં નવો વળાંક આવ્યો છે. કિંજલે પોલીસ કમિશનર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને પત્ર લખીને પોતાનું અપહરણ થયું ન હોવાનું જણાવ્યું છે. અગાઉ કિંજલે વીડિયો મારફતે પણ પોતાનું અપહરણ ન થયું હોવાનું જણાવ્યું હતું, છતાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં હવે કિંજલે પોલીસ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે.
કિંજલે પત્રમાં જણાવ્યું છે કે, તેની ઉંમર 25 વર્ષ છે. અભ્યાસ દરમિયાન રાધનપુર અપડાઉન કરતી વખતે તેની મુલાકાત અશોક ચૌધરી સાથે થઈ હતી. બંને વચ્ચેનો પરિચય બાદમાં પ્રેમસંબંધમાં પરિવર્તિત થયો હતો. ત્યારબાદ બંનેએ જીવનભર સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો અને 2 મે, 2024ના રોજ હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. જો કે પરિવારજનો સહમત ન થતાં 10 માર્ચે પિતાનું ઘર છોડી અશોક સાથે રહેતી હતી. આ દરમિયાન પિયર પક્ષના લોકો બળજબરીથી ઘરે લઈ ગયા હતા અને ગોંધી રખાઈ હતી. આટલું જ નહીં પરિવાર દ્વારા તેના પર રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી કરાવવા માટે દબાણ કરાયું હતું. મારે અશોક ચૌધરીથી છૂટાછેડા લેવા જ નહોતા અને કોર્ટમાં પણ તેનો જવાબ બળજબરીથી લખાવવામાં આવ્યો હતો. કિંજલે આક્ષેપ કર્યો છે કે તેના પરિવારે તેને બળજબરીપૂર્વક મૂકેશ દેસાઈને સોંપી દીધી હતી અને મૂકેશ તેની સાથે બળજબરી કરતો હતો.


comments powered by Disqus