આણંદના 9 વર્ષના બ્રેઇનડેડ આકાશના અંગદાનથી 3 દર્દીઓને નવજીવન

Wednesday 09th September 2026 07:11 EDT
 
 

ઉમરેઠઃ આણંદ જિલ્લાના કુંજરાવ ગામના 9 વર્ષીય આકાશ ભરતભાઈ પરમારને બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ તેમના શ્રમજીવી પરિવારે અંગદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો. કરમસદની શ્રીકૃષ્ણા હોસ્પિટલ ખાતે ‘ડોનેટ લાઇફ’ સંસ્થાના સહયોગથી આકાશની બંને કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાયું. આ અંગોથી જીવન સામે ઝઝૂમી રહેલા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું, જ્યારે ચક્ષુઓથી એક વ્યક્તિને દૃષ્ટિ મળવાની આશા છે.
કુંજરાવના ‘મોરીનો કૂવો’ વિસ્તારમાં રહેતો અને ગામની કુમાર શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતો આકાશ 28 ઓગસ્ટે પોતાના મોટાભાઈ પ્રકાશ સાથે તરસાડ-તલાવડી રોડ પરથી ઘરે જઈ રહ્યો હતો. તે સમયે એક અજાણી કારે તેને ટક્કર મારતાં આકાશને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જે બાદ હોસ્પિટલના તબીબો ડો. જિતેશ દેસાઈ, ડો. ભવદીપ મુંગલા, ડો. મિરાંત દોશી અને ડો. અમિત શાહે આકાશને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો.
આકાશને બ્રેઇનડેડ જાહેર કરાતાં ‘ડોનેટ લાઇફ’ સંસ્થાની ટીમે હોસ્પિટલે પહોંચી ખેતમજૂરી કરતા દાદા વાઘજીભાઈ, દાદી શારદાબહેન સહિત પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવતાં પૌત્રના વિયોગની દુઃખદ ઘડીમાં પણ દાદા વાઘજીભાઈએ માનવતાને પ્રાધાન્ય આપી અંગદાન માટે સહમતી આપી હતી. વાઘજીભાઈએ જણાવ્યું કે, ‘અમે સામાન્ય પરિવારના છીએ, જીવનમાં કશું મોટું દાન નથી કરી શક્યા. શરીર તો રાખ જ થવાનું છે, ત્યારે મારા પૌત્રનાં અંગોથી અન્ય દર્દીઓને નવજીવન મળતું હોય તો અમે તૈયાર છીએ.’
SOTTO દ્વારા આકાશની બંને કિડની અને લિવર અમદાવાદની IKDRC હોસ્પિટલ માટે ફાળવાયાં, જ્યારે ચક્ષુઓનું દાન શ્રીકૃષ્ણા હોસ્પિટલે સ્વીકાર્યું. અંગોને સમયસર અમદાવાદ પહોંચાડવા કરમસદની શ્રીકૃષ્ણા હોસ્પિટલથી અમદાવાદ સુધી આણંદ શહેર પોલીસ અને અન્ય જિલ્લા પોલીસના સંકલનથી ગ્રીન કોરિડોર બનાવાયો હતો.


comments powered by Disqus