આર્મી માટે રૂ. 1.10 લાખ કરોડનાં શસ્ત્રો ખરીદાશે

Wednesday 09th September 2026 07:15 EDT
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય લશ્કરની ત્રણેય પાંખની પ્રહાર ક્ષમતા વધારવા માટે રૂ. 1.10 લાખ કરોડનાં શસ્ત્રોની ખરીદીને DAC દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે કુલ ખરીદી પૈકી 98 ટકા શસ્ત્રોની ખરીદી દેશનાં ડિફેન્સ ઉદ્યોગો અને શસ્ત્રો બનાવતી ફેક્ટરીઓ પાસેથી કરવામાં આવશે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહના વડપણ હેઠળની DACની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ભૂમિદળ, નૌકાદળ અને વાયુદળ માટે ભારે વાહનો. હેલિકોપ્ટર, રડાર, જેમર અને અન્ય આધુનિક શસ્ત્રો ખરીદવાની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. ભૂમિદળ માટે રાસાયણિક, જૈવિક અને રેડિયોલોજિકલ તેમજ પરમાણુ શસ્ત્રોને ઓળખી શકે તેવા CBRN ટોહી વાહનો ખરીદવામાં આવશે. આ વાહનો પ્રભાવિત વિસ્તારોમાં ખતરાની પરખ અને દેખરેખ તેમજ તેને અલગ તારવવામાં મદદ કરશે.
આર્મી-એરફોર્સ માટે શું?
ભૂમિદળ અને વાયુ દળ માટે હેલિકોપ્ટર તેમજ બ્રિજ સિસ્ટમ ખરીદાશે, જેમાં એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ખરીદવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. આ હેલિકોપ્ટર જુદાજુદા વિસ્તારોમાં ખરાબ સ્થિતિમા જટિલ અભિયાન પૂરા કરવા સક્ષમ છે. ભૂમિદળ માટે ટ્રોલ ટેન્કો અને સર્વત્ર બ્રિજ સિસ્ટમ ખરીદાશે. યુદ્ધ કે યુદ્ધના અભ્યાસ વખતે આ ઉપકરણો દુર્ગમ વિસ્તારોમાં સૈનિકો તેમજ સૈન્ય વાહનોને આગળ વધવા સુરક્ષિત માર્ગ બતાવશે.
નેવીની તાકાત કેવી રીતે વધશે?
ઇન્ડિયન નેવી માટે અરુધા રડાર ખરીદવાની મંજૂરી અપાઈ છે. આ નવા રડાર નૌકાદળ માટે વિવિધ હવાઈ સ્થળો પર લગાવાયેલા હાલના એર રૂટ સર્વેલન્સ રડારની જગ્યા લેશે. મરિન ગેસ ટર્બાઇનની ડિઝાઈન, વિકાસ તેમજ તેની ખરીદીને પણ મંજૂરી અપાઈ છે. મરિન ગેસ ટર્બાઇનનો ઉપયોગ યુદ્ધ જહાજોને ચલાવવા થાય છે.


comments powered by Disqus