મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝન અડધી પૂરી થવા આવી છતાં કુદરત રુઠેલી જોવા મળી રહી છે. સિઝનના સરેરાશ 28.74 ઇંચ વરસાદ સામે અત્યાર સુધી માત્ર 16.17 ઇંચ (56.23%) જ વરસાદ નોંધાયો છે.
ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદની આશા હતી, પરંતુ આખા મહિનામાં માત્ર 2.72 ઈંચ વરસાદ પડતાં અછત વધીને 32.85 ટકાએ પહોંચી ગઈ છે. આ નબળા ચોમાસાની સીધી અસર ખેતી અને જળાશયો પર પડી છે, જેનાથી આગામી રવી
સિઝન પર પણ સંકટનાં વાદળો ઘેરાયાં છે.
ઉત્તર ગુજરાતમાં થયેલા કુલ 16.99 લાખ હેક્ટર વાવેતર પૈકી 12.16 લાખ હેક્ટરમાં જ પિયતની સુવિધા છે. સરેરાશ 4.83 લાખ હેક્ટર વાવેતર માત્ર વરસાદી પાણી પર આધારિત છે. વરસાદ ખેંચાવાને કારણે આ કરોડો રૂપિયાનું વાવેતર બળીને ખાખ થઈ જવાની અણી પર છે. હવામાન વિભાગ મુજબ સપ્ટેમ્બર મહિનામાં પણ ઉત્તર ગુજરાતમાં સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે.
