નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીના મોતીબાગ - સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની ઈમારત તૂટી પડતાં અફરાતફરી મચી હતી. કાટમાળ નીચે દટાતાં સાતનાં મોત થયાં છે અને સંખ્યાબંધને ગંભીર ઈજા થઈ છે. સત્તાવાળાઓ દ્વારા 25થી 30 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા. તૂટી પડેલી બિલ્ડિંગના કાટમાળ નીચેથી ઘણા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરાયું હતું. જુદીજુદી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અહીં પીજીમાં રહેતા હતા. બિલ્ડિંગ પડવાની જાણ થતાં જ NDRFની ટીમ, ફાયરબ્રિગેડ તેમજ પોલીસની ટુકડીએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ અંગે બિલ્ડિંગના માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
