કેવડિયાઃ આગામી 22 સપ્ટેમ્બરે કેવડિયા ખાતે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાશે. અત્યાર સુધી નવી દિલ્હી ખાતે યોજાતો આ ફિલ્મ એવોર્ડ સમારોહ પહેલીવાર રાજધાનીની બહારના સ્થળે યોજાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે સિનેમા જગતના 92 કલાકારો, કસબીઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે. વર્ષ 1954માં દિલ્હીના વિજ્ઞાન ભવનમાં દેશનો પ્રથમ નેશનલ ફિલ્મ એવોડર્સ સમારોહ યોજાયો હતો.
એકતાનગર ખાતે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આશરે 75 મિનિટના ભવ્ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના 70 વર્ષથી વધુના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે, જે ગુજરાત અને નર્મદા જિલ્લા માટે વિશેષ ગૌરવની ક્ષણ બની રહેશે. એવોર્ડ સમારોહના આયોજનને લઈને સોમવારે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. કાર્યક્રમની વ્યવસ્થાને લઈને ચર્ચા કરાઈ હતી.
જર્મન ડૉમ તૈયાર કરાશે
નેશનલ ફિલ્મ એવોર્ડસ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના બે એરિયા ખાતે જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમ સ્થળે અંદાજે 1,000 મહેમાનોની ક્ષમતા ધરાવતી બેઠક વ્યવસ્થા તથા જરૂરી માળખાકીય અને અન્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.
સિનેજગતની હસ્તીઓ કેવડિયા આવશે
72મા નેશનલ ફિલ્મ એવોર્ડસની ઘોષણા ગત 18 જુલાઈએ કરાઈ હતી. ફિલ્મ ‘આર્ટિકલ 370’ને શ્રેષ્ઠ ફિલ્મ તથા યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રી તથા દક્ષિણના સુપરસ્ટાર મામુટી (ફિલ્મ બ્રહ્મયુગમ્) અને હિન્દી ફિલ્મોના અભિનેતા કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન)ને સંયુક્તપણે શ્રેષ્ઠ અભિનેતા જાહેર કરાયા હતા. અભિષેક જૈન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મારણ’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ જાહેર થયો હતો.

