અમદાવાદઃ મેન્ડોલિનના સૂરને શાસ્ત્રીય સંગીત અને ગુજરાતી સુગમ સંગીત સાથે આગવી રીતે જોડનારા મેન્ડોલિન વાદક, સંગીતકાર અને સ્વરકાર ઈમુ દેસાઈનું લાંબી બીમારી બાદ 85 વર્ષની ઉંમરે 5 સપ્ટેમ્બરે રાત્રે અમદાવાદના નિવાસસ્થાને અવસાન થયું. તેમના નિધનથી ગુજરાતી સંગીતજગતે એક બહુમુખી કલાકાર ગુમાવ્યો છે. 8 એપ્રિલ 1939એ અમદાવાદમાં જન્મેલા ઈમુ દેસાઈને બાળપણથી જ ચિત્રકામ, વાંચન, અભિનય અને સંગીતમાં રસ હતો. 8 વર્ષની ઉંમરે તેમણે સંગીતની તાલીમ શરૂ કરી હતી. નટવરલાલ પરીખ અને રાવજીભાઈ પટેલ જેવા ગુરુઓ પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યા બાદ ધીમેધીમે મેન્ડોલિન તેમનું વિશિષ્ટ વાદ્ય બની ગયું હતું.

