નવસારીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી નવસારી પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કર્યું. આ નિમિત્તે કાર્યક્રમ સ્થળે 5000થી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય સમગ્ર જિલ્લામાં 4000 સ્ક્રીન પરથી 1.15 લાખ લોકો આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા છે.
PMનું કળશ અને ડમરુથી સ્વાગત
વડાપ્રધાન હેલિપેડ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ 1100 બહેનોએ માથે કળશ મૂકીને તેમને વધાવી લીધા હતા. આ સાથે જ 500 જેટલા પુરુષોએ વિશેષ ડમરુ વાદન કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવ્યું હતું. આ સિવાય 30 બહેનોએ ઢોલ-ત્રાંસાના તાલ સાથે પરંપરાગત વાદ્યો વગાડીને વાતાવરણ ગજવ્યું હતું.
‘નમો કમલમ’ પરિસરની મુલાકાત લીધી
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન ‘નમો કમલમ્’ પરિસરની મુલાકાત લઈને વિગતવાર સમીક્ષા કરી. તેમણે મુખ્ય કાર્યાલય, અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત આધુનિક લાઇબ્રેરી તેમજ સાંસદો અને ધારાસભ્ય માટે બનાવાયેલી ખાસ કેબિનની મુલાકાત લીધી. આ સાથે જ તેમણે પંડિત દીનદયાળ મીટિંગ હોલ, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડનું પણ નિરીક્ષણ કર્યું.
4000 સ્ક્રીનથી લાઇવ પ્રસારણ
કાર્યક્રમના સીધા પ્રસારણ માટે જિલ્લાભરમાં વ્યાપક ડિજિટલ આયોજન કરાયું, જે માટે નવસારીનાં તમામ 389 ગામોમાં કુલ 4000 જેટલી સ્ક્રીન ગોઠવાઈ હતી. આ વ્યવસ્થાના માધ્યમથી 1.15 લાખથી વધુ ગ્રામજનો પોતપોતાના ગામમાં બેસીને કાર્યક્રમ નિહાળ્યો.

