અમદાવાદઃ વિધાનસભાની આગામી ચૂંટણીઓ પૂર્વે ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. કેમ કે સત્તાધારી પક્ષ ભાજપે તાજેતરમાં તરુણ તરુવા ચુગને ગુજરાત ભાજપનું સુકાન સોંપ્યું છે, ત્યાં કોંગ્રેસ હાઈકમાન્ડે યુવા અને આક્રમક નેતા રણદીપ સૂરજેવાલાને ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદે નિયુક્ત કર્યા છે. આમ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ અત્યારથી જ સંપૂર્ણપણે ‘ઇલેક્શન મોડ’માં આવ્યાં છે.
ગુજરાતમાં લાંબા સમયથી સત્તાથી દૂર કોંગ્રેસ સંગઠનને બેઠું કરવા હાઇકમાન્ડ સક્રિય થયું છે. નરમ વલણ ધરાવતા પ્રભારી મુકુલ વાસનિકની પ્રભારીપદે વિદાય અપાઈ છે, જ્યારે હરિયાણાના પૂર્વ કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રીય નેતા રણદીપસિંહ સૂરજેવાલાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપાઈ છે. રણદીપ સૂરજેવાલા ધારદાર વક્તવ્ય શૈલી માટે જાણીતા છે, સાથેસાથે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથેની નિકટતા ધરાવે છે. રણદીપ સૂરજેવાલાને મેદાને ઉતારતાં ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા અને જનતાની વચ્ચે સરકારને ઘેરવામાં આક્રમક બનશે તેમ મનાઈ રહ્યું છે. હવે ટૂંક સમયમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું પણ જાહેર થવાની શક્યતા જોવાઈ રહી છે. જો કે નબળું સંગઠન, આંતરિક જૂથવાદ વચ્ચે ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સૂરજેવાલા સામે ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવું મોટો પડકાર બની રહેશે. આ તરફ કોંગ્રેસની આક્રમકતા સામે સત્તા જાળવી રાખવા અને રેકોર્ડબ્રેક જીત મેળવવા માટે ભાજપે પણ રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગને ગુજરાતના પ્રદેશ પ્રભારીપદે નિયુક્ત કર્યા છે.

