અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે મુંબઈ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોજાયેલા રોડ-શો દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મૂકેશ અંબાણી તેમજ અનંત અંબાણી સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રિલાયન્સ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં કરાતાં વિશાળ રોકાણો અને આગામી મેગા પ્રોજેક્ટ્સ અંગે સઘન ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન ગ્રીન એનર્જી ઈકોસિસ્ટમ, પેટ્રોકેમિકલ્સ, રિટેલ સપ્લાય ચેઇન અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં રિલાયન્સના પરિવર્તનકારી યોગદાનને બિરદાવાયું હતું. મુખ્યત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે ગ્રીન હાઇડ્રોજન, સોલાર એનર્જી અને એડવાન્સ્ડ મટિરિયલ્સના ઉત્પાદન માટે વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપવાની રિલાયન્સની કટિબદ્ધતાને આવકારી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પ અને ભવિષ્યલક્ષી, આત્મનિર્ભર અર્થતંત્રના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે વિશ્વસ્તરીય ઔદ્યોગિક પાયો અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યું છે, જેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે.
AMNS સ્ટીલ પ્લાન્ટ વિકસાવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027ને અનુલક્ષીને ઉદ્યોગ જગતના વિવિધ ઉદ્યોગપતિ સાથે વન ટુ વન બેઠક કરી હતી. તેમણે સૌને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું. AMNSના સીઈઓ અમિત હરલાલકાએ જણાવ્યું કે, ગુજરાતમાં AMNS ઇન્ડિયાની મહત્ત્વાકાંક્ષી રોકાણ યોજના અંગે ફળદાયી બેઠક યોજાઈ હતી. કંપની જૂન સુધીમાં રૂ. 80,000 કરોડનું રોકાણ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે.

