બારડોલીઃ સાઇબર ઠગોએ પોલીસ, CBI, ED અને કોર્ટના નામે ડરાવીને 82 વર્ષના નિવૃત્ત વૃદ્ધ પાસેથી રૂ. 2.96 કરોડ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેન્ક મેનેજરની સતર્કતાના કારણે વધુ રકમ પડાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ભોગ બનનારા વૃદ્ધ વિદેશથી ભારત આવેલા છે અને વિદેશમાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમેરિકા, લંડન અને મિસિસિપીમાં તેઓ મોટેલ ધરાવે છે.
મુંબઈ પોલીસ અને DSPના નામે આવ્યો ફોન
બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલી શ્યામપાર્ક સોસાયટીમાં રહેતા અને પત્ની સાથે નિવૃત્ત જીવન પસાર કરી રહેલા 82 વર્ષીય NRI વૃદ્ધને 8 ઓગસ્ટે અજાણ્યા વ્હોટ્સએપ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈ પોલીસના અધિકારી અને DSP તરીકે આપી હતી. ભોગ બનનારના આધારકાર્ડનો ઉપયોગ કરીને કેનેરા બેન્કમાં ખાતું ખોલાવવામાં આવ્યું હોવાનો અને આ ખાતા મારફતે રૂ. 1.22 કરોડનું મની લોન્ડરિંગ થયું હોવાનું કહી તેમને ડરાવાયા હતા.
બનાવટી દસ્તાવેજો મોકલ્યા
સાઇબર ઠગોએ વૃદ્ધને વધુ ભયભીત કરવા વ્હોટ્સએપ પર બનાવટી એરેસ્ટ વોરંટ સહિત ED, CBI અને બોમ્બે હાઇકોર્ટના નામે ખોટા દસ્તાવેજો મોકલી તેના ગંભીર કાર્યવાહી થવાની વાત કરી હતી. ઠગોએ વૃદ્ધને 10 વર્ષ સુધી જેલમાં મોકલવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેમની પત્નીને પણ ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી દંપતીમાં ભયનો માહોલ ઊભો કરાયો હતો અને તેમને ઘરની બહાર ન નીકળવા દબાણ કરાયું હતું.
