સંસ્થા સેવા રૂરલને ‘BMJ સાઉથ એશિયા એવોર્ડ 2026’ એનાયત

Wednesday 09th September 2026 06:05 EDT
 
 

ભરૂચઃ જિલ્લાના ઝઘડિયા ખાતે કાર્યરત સેવા રૂરલને સિકલ સેલ રોગથી પીડાતી સગર્ભા મહિલાઓ માટે વિકસાવેલા સારવાર મોડલ બદલ પ્રતિષ્ઠિત ‘બીએમજે એવોર્ડ્સ સાઉથ એશિયા 2026' એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં માતૃ અને બાળ સ્વાસ્થ્ય કેટેગરીમાં ડૉ. ગાયત્રી દેસાઈના નેતૃત્વ હેઠળ સેવા રૂરલને આ સન્માન મળ્યું છે. દક્ષિણ એશિયામાંથી આવેલી 700થી વધુ એન્ટ્રીઓમાંથી સંસ્થાની પસંદગી કરવામાં આવી હતી.
સેવા રૂરલે 10,500થી વધુ આદિવાસી પ્રસૂતિઓના બેઝલાઇન ડેટાનું વિશ્લેષણ કરતાં સિકલ સેલ ગ્રસ્ત સગર્ભાઓ અને તેમના બાળકો સામેનું જોખમ ચિંતાજનક હોવાનું નોંધ્યું હતું. સિકલ સેલ લોહીની ગંભીર વારસાગત બીમારી છે અને ભારતના આદિવાસી વિસ્તારોમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયમાં અંદાજે 17% લોકો સિકલ સેલ ટ્રેઈટ એટલે કે તેના વાહક છે, જ્યારે પ્રસૂતિ કરાવતી લગભગ 1.5% મહિલાઓ સિકલ સેલ રોગથી પીડાતી હોવાનું સેવા રૂરલના અભ્યાસમાં સામે આવ્યું હતું.
9 વર્ષમાં 35 હજાર પ્રસૂતિનું સ્ક્રીનિંગ
પરિસ્થિતિમાં સુધારો લાવવા સેવા રૂરલે 2016થી 2025 દરમિયાન અંદાજે 35,000 પ્રસૂતિઓનું સ્ક્રીનિંગ કર્યું. ઝઘડિયાની હોસ્પિટલમાં 700થી વધુ હાઈ-રિસ્ક સિકલ સેલ સગર્ભાવસ્થાની વિશેષ સંભાળ લેવામાં આવી. સંસ્થાએ હૉસ્પિટલ આધારિત સારવાર મોડલ તૈયાર કરીને સિકલ સેલ ગ્રસ્ત સગર્ભાઓ માટે માનકીકૃત પ્રસૂતિ અને હેમેટોલોજી માર્ગદર્શિકા અમલમાં મૂકી. સાથે જ નિયંત્રિત બ્લડ ટ્રાન્સફ્યુઝન, સરકારી હોસ્પિટલો સાથે રેફરલ વ્યવસ્થા અને લોહી ગંઠાઈ જવાનું જોખમ ઘટાડવા પ્રોફિલેક્ટિક એન્ટિકોએગ્યુલેશન સારવારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.


comments powered by Disqus