દાહોદઃ સુખસર તાલુકાના સાગડાપાડા ગામે 13 વર્ષની બાળકીને તાવ આવ્યો હતો. તબિયત વધુ બગડતાં ફળિયામાંથી કોઈ વાહન મળી શકે તેમ ન હોવાથી પિતા પોતાની બીમાર દીકરીને ખભા પર નાખીને ઘરથી મુખ્ય રસ્તા સુધી ચાલીને લઈ ગયા હતા. મુખ્ય રસ્તે પહોંચ્યા બાદ ખાનગી વાહનમાં સારવારઅર્થે દવાખાને લઈ જતા હતા ત્યારે માસૂમ દીકરીએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો.
ફળિયા સુધી વાહન જઈ શકે તેવો રસ્તો ન હોવાથી પિતાએ પોતાની મૃત દીકરીના મૃતદેહને ખભા પર ઊંચકીને ઘરે પરત જવું પડયું હતું. પિતા થાકી જતાં અન્ય એક યુવકે પોતાના ખભા પર દીકરીનો મૃતદેહ ઊંચક્યો હતો. મારી બાળકીની તબિયત ખરાબ થઈ હતી. રસ્તો ન હોવાથી દવાખાને લઇ જવા માટે તેને ઊંચકીને લઈ ગયો હતો. દસથી બાર વખત તેને નીચે ઉતારીને બેસાડી હતી. અમારા ફળિયા સુધીનો રસ્તો ખૂબ સાકડો હોવાથી કોઈ વાહન આવી શકતું નથી. તેનો મૃતદેહ પણ મારે ખભે ઊંચકીને ઘરે લાવવો પડ્યો હતો.

