અમદાવાદઃ 28 મે 2026એ ગાંધીનગરના સોનીપુરની સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના આ હુંકારના પાંચમા દિવસે જ એટલે કે 2 જૂનથી પોલીસ સહિત વિવિધ તપાસ સમિતિઓ દ્વારા ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ શરૂ કરવામાં આવ્યું, જે અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન હાથ ધરાયું. આ ઓપરેશનમાં રાજ્યભરથી 501 બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયા છે, જેમાં માત્ર અમદાવાદમાં જ 192 લોકોને ઝડપી લેવાયા છે, જે પૈકી 100થી વધુ મહિલા અને 30 બાળકોનો સમાવેશ થાય છે.
રાજ્યનાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાં પોલીસની ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મજૂરી કામ, કન્સ્ટ્રક્શન સાઇટ, ઝૂંપડપટ્ટી, ભાડાનાં મકાનો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું, જ્યાં શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા લોકોની પૂછપરછ બાદ તેમની ઓળખ અને નાગરિકતાની ચકાસણી કરાઈ હતી.
અનેક બાંગ્લાદેશી નાગરિકો વર્ષોથી ખોટાં આધારકાર્ડ, મતદાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે ગુજરાતમાં રહેતા હતા. કેટલાક લોકો મજૂરી, ફેક્ટરી અને નાના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આવા લોકોની વિગતો એકત્ર કરાઈ રહી હતી, જે બાદ રાજ્યવ્યાપી ઓપરેશન શરૂ કરી એકસાથે કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલમાં ઝડપાયેલા તમામ લોકોના દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે.

