મુંબઇઃ નાસિકમાં TCS કંપનીની ઓફિસમાં ધર્માતરણ અને જાતીય ઉત્પીડન કેસમાં પોલીસની ચાર્જશીટમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. મુખ્ય આરોપી નિદા ખાને પીડિતાને પીડિતાને નમાજ પઢતાં શીખવ્યું હોવાનું અને બળજબરીથી ધર્માતરણનું ષડયંત્ર રચ્યું હોવાનું કબૂલ્યું છે.
ચાર્જશીટમાં પીડિતા, તેનાં માતા, TCSના કર્મચારીઓ, જાતીય ઉત્પીડન નિવારણ સમિતિના સભ્યો અને તપાસ અધિકારીઓ સહિત 106 સાક્ષીનાં નિવેદનો સામેલ છે. મહારાષ્ટ્ર સરકારે સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરી હતી. પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં દાવો કર્યો છે કે આરોપી તૌસિફ અત્તારે પીડિતાની વ્યક્તિગત સ્થિતિનો ફાયદો ઊઠાવવા કહ્યું હતું કે, તું સંતાન સુખથી વંચિત છું તો હું તને અજમેરના મૌલવીનો નંબર આપું છું, ત્યાં જઈ આવ્યા બાદ તને ગેરંટીથી સંતાન થશે. પોલીસ હવે આ અજમેર અને મૌલવીના કનેક્શનની પણ તપાસ કરી રહી છે.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગયા વર્ષે રમજાન માસમાં પીડિતા પર માનસિક દબાણ કરવા ઉપરાંત તેને ઇસ્લામિક નિયમોનું પાલન કરવાની ફરજ પણ પાડવામાં આવી હતી.
TCS પછી વિપ્રોમાં પણ ધર્માંતરણનો આરોપ
મહારાષ્ટ્રમાં વિપ્રોની એક પૂર્વ કર્મચારીએ આરોપ લગાવ્યો છે કે કંપનીની પુણેના હિંજવડી સ્થિત ઓફિસમાં તેના એક સહકર્મીએ તેના પર ઇસ્લામ ધર્મ અપનાવવા અને સંબંધ બાંધવા માટે દબાણ કર્યું. પીડિતાનું કહેવું છે કે, મેં આ મામલાની ફરિયાદ કંપનીમાં કરી, તો કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નહીં. ઊલટાનું તેની સામે જ કાર્યવાહી કરાઈ અને ઓગસ્ટ 2025માં એક ઓનલાઇન મીટિંગ દરમિયાન તેને નોકરી છોડવા માટે મજબૂર કરવામાં આવી હતી. હિન્દુ જનજાગૃતિ સમિતિની પ્રેસ કોન્ફરન્સ બાદ મામલો સામે આવતાં પીડિતાએ હિંજવડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રૂ. 50 લાખના વળતરની માગ કરી છે.

