પાટણમાં રૂ. 398 કરોડનું સાઇબર કૌભાંડઃ 14 આરોપી ઝડપાયા

Wednesday 10th June 2026 06:56 EDT
 
 

પાટણઃ જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે, જેમાં રૂ. 398 કરોડના ગેરકાયદે નાણાકીય વ્યવહારો ધરાવતું એક આખું સાઇબર ફ્રોડ નેટવર્ક ઝડપાયું છે. 7 જૂને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ફરિયાદ દાખલ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં માસ્ટર માઇન્ડ અને અકાઉન્ટ ભાડે આપનારા સહિત 20 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને 14ની અટકાયત કરાઈ છે.
પાટણ જિલ્લા પોલીસવડા વી.કે. નાયીએ કહ્યું કે, કૌભાંડ 1 જાન્યુઆરી 2025થી 7 જૂન 2026 દરમિયાન આચરવામાં આવ્યું છે. હારિજની ધી હારિજ નાગરિક સહકારી બેન્કમાં 13 કરન્ટ અકાઉન્ટ્સ ખોલાયાં હતા અને તેમાં મોટી રકમ ટ્રાન્સફર કરાઈ હતી. આ અંગે દેશભરથી 228 ફરિયાદો પોર્ટલ પર નોંધાઈ હતી. ખાતાધારકોને તેઓ કાયદેસરનો ધંધો કરતા હોય તેમ દર્શાવી APMCનાં બોગસ લાઇસન્સ અથવા ગુમાસ્તા ધારાના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી અપાતા હતા. તેના આધારે હારિજની નાગરિક સહકારી બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવાયાં હતાં. એકાઉન્ટ ખૂલ્યા બાદ ATM કાર્ડ, પાસબુક અને નેટ બેન્કિંગની સામગ્રી વચેટિયાઓ પોતાની પાસે જ રાખી લેતા હતા. એટલું જ નહીં ખાતાધારકો પાસેથી આખી ચેકબુકના કોરા ચેક પર અગાઉથી જ સહીઓ કરાવી લેવાતી હતી. બેન્કમાં રજિસ્ટર કરવા માટે ખાતાધારકોના નામે જ નવાં સિમકાર્ડ ખરીદાતાં હતા, જેથી નાણાકીય ટ્રાન્ઝેક્શનના OTP ગુનેગારોને સીધા જ મળી શકે અને મૂળ ખાતાધારકને ખબર પણ ન પડે.


comments powered by Disqus