રાજકોટઃ રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 3 દિવસીય ધાર્મિક મહોત્સવના અંતે મોટો વિવાદ શરૂ થયો છે. પ્રથમ 2 દિવસ હનુમંત કથાના રસપાન બાદ, ત્રીજા દિવસે 'દિવ્ય દરબાર'માં (પ્રેત દરબાર) જાહેરમાં અંધશ્રદ્ધા ફેલાવવાના અને કાયદો-વ્યવસ્થા જોખમાવવાના આક્ષેપો ઉઠ્યા છે. બાબા દ્વારા લોકોની જટિલ સમસ્યાઓ અને પારિવારિક કંકાસના ઉકેલના દાવા વચ્ચે, નકારાત્મક ઊર્જા દૂર કરવાના મંચ પરથી હુંકાર બાદ પંડાલમાં મહિલાઓ સહિત મધ્યપ્રદેશ સાથેના રાજ્યના 20થી વધુ લોકો ધૂણવા લાગ્યા હતા. સિક્યૂરિટી-પત્રકાર પર હુમલો પણ કર્યો હતો. કલાકો સુધી અંધશ્રદ્ધાનો આ ખેલ રાજકોટના સમગ્ર સરકારી તંત્રએ લાઇવ અને રૂબરૂમાં નિહાળ્યો હતો.
અંધશ્રદ્ધા ફેલાવવા બાબા લોકોને ધૂણાવે છેઃ પુરુષોત્તમ પીપળિયા રાજકોટના સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું કે, બાબા ડાકીની, સાકીની, પિચાશીની અને પ્રેત આત્માને બોલાવીને ધુણાવીને પોતે અંધશ્રદ્ધા ફેલાવે છે. જે અંધશ્રદ્ધા દ્વારા પોતે આર્થિક લાભ મેળવે છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને આયોજકો સામે ગુનો દાખલ કરોઃ વિજ્ઞાન જાથા
વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડયાએ જણાવ્યું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, તેમજ કથાના આયોજકો સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. સનાતન હનુમાન કથાને બદલે લવ જેહાદ, ચાદર, માનસિક રોગી સાથે રમત થઈ છે.

