કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મળેલી સજ્જડ હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના મૂળિયાં હચમચી ગયા છે. પક્ષના સુપ્રીમો મમતા બેનરજી 58 ધારાસભ્યોએ કરેલાં બળવાના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ ટીએમસીના 20 સાંસદોએ વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તિદારના નેતૃત્વમાં વિદ્રોહનું બ્યૂગલ ફૂંક્યું અને એનડીએને સમર્થન આપ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ફરીથી વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના શરણે થવા મમતા બેનરજી સોમવારે દિલ્હી પહોંચ્યાં હતાં, ત્યારે જ ટીએમસીમાં વધુ એક ભંગાણ સર્જાયું છે.
ધારાસભ્યો બાદ સાંસદોએ આપેલા આંચકાથી મમતા બેનરજીના રાજકીય અસ્તિત્વ સામે ગંભીર સંકટ ઊભું થયું છે. ગત સપ્તાહે ટીએમસીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપનાર કાકોલી ઘોષ દસ્તીદારે આ ઘટનાક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, બંગાળના વિકાસ માટે અમે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખી ગૃહમાં એક અલગ જૂથ તરીકે બેસવાની વ્યવસ્થા માટે રજૂઆત કરી છે.
58 ધારાસભ્યોનો ‘અસલી તૃણમૂલ’નો દાવો
TMCમાં 28 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભંગાણ જોવા મળ્યું છે. બુધવારે 58 બળવાખોર ધારાસભ્યોએ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે, જે અંગે વિધાનસભા અધ્યક્ષ રથીન્દ્ર બોઝને સમર્થન પત્ર આપી માગ ઋતબ્રતને વિરોધ પક્ષના નેતા બનાવવા માગ કરાઈ હતી, જેને અધ્યક્ષે મંજૂરી આપી છે. તેમને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનો રૂમ પણ ફાળવી દેવાયો છે. જાવેદ ખાન, સંદીપન સાહા અને સિઉલી સાહાને ઉપનેતા બનાવાયા છે. મમતા પાસે હવે 22 ધારાસભ્યોનું જ સમર્થન છે. બળવાખોરોએ અધ્યક્ષને લખેલા પત્રમાં મમતા બેનરજીનો ઉલ્લેખ TMC ચેરપર્સન તરીકે કરતાં જણાવ્યું હતું કે, અમે અભિષેક બેનરજીની સત્તાનો અસ્વીકાર કરીએ છીએ. અમે અમારા નેતા તરીકે મમતા બેનરજીને સ્વીકારીએ છીએ પણ અભિષેક બેનરજીને નહીં.

