વલસાડઃ સંજાણના બે મુસ્લિમ યુવાનોએ અલગ-અલગ સમયે મહારાષ્ટ્રના ઘોલવડ અને બોરડીની બે જૈન દીકરીને ફસાવીને લંડન બોલાવી ત્યાં નિકાહ કરી લીધા હોવાની કેફિયત સાથે ઉચ્ચસ્તરીય તપાસની માગ કરવામાં આવી હતી. સમસ્ત હિન્દુ (જૈન) સમાજના નેજા હેઠળ ડીએસપીને સુપરત કરાયેલા આવેદનમાં જણાવ્યું છે કે, ઉંમરગામના સંજાણ અને આજુબાજુના કેટલાક વિધર્મીઓ ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના દહાણુ, ઘોલવડ, ઉંમરગામ, સંજાણ, સરીગામ, વાપી તથા આસપાસના વિસ્તારોની હિન્દુ છોકરીઓને ફ્સાવીને ધર્માંતરણ કરાવે છે.
ગુજરાતમાં લવ જેહાદનો કડક કાયદો હોવાથી આ ઇસમોનાં લગ્ન તેમના સમાજના સહકારથી પાલઘરમાં કરી દેવાય છે. આવેદનમાં આ લોકોની નવી મોડસ ઓપરેન્ડીનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે, થોડા મહિના પહેલાં સંજાણના એક ઇસમે ઘોલવડની જૈન યુવતીને ફ્સાવીને લગ્ન કરી લીધાં હતાં અને 3 મહિના પછી તે દીકરીને લંડન લઈ ગયો હતો. આનાથી પણ ખતરનાક ષડયંત્રને ઉજાગર કરતી બીજી ઘટના એવી છે કે, સંજાણનો મુસ્લિમ ઇસમ એક વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. તેણે બોરડીની જૈન હિન્દુ છોકરીને ફસાવ્યા બાદ પાસપોર્ટ, વિઝા માટે પૈસા અને ટિકિટની વ્યવસ્થા ત્યાંથી જ કરી રાતોરાત વિઝા અપાવીને તેને લંડન બોલાવી નિકાહ કરી લીધા હતા, એટલું જ નહીં તેણે આ કિસ્સામાં છોકરીને સમજાવી, ફ્સાવીને તેણીના જ ઘરેથી પૈસા અને દાગીના પણ ચોરી કરાવીને મેળવી લીધા હતા.

