વિસનગરઃ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ-1માં ભાજપથી બિનહરીફ ચૂંટાયેલા નગરસેવક દીપકભાઈ મોદીએ સોમવારે વહેલી સવારે વરેઠા- ગાંધીનગર મેમુ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આપઘાત પાછળ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેઓ સવારે 6 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા અને 7 વાગ્યે પત્નીને ફોન કરીને કહ્યું કે, હવે જીવવું નથી. પરિવારે ચિંતામાં શોધખોળ શરૂ કરી હતી, ત્યાં કોઈ વ્યક્તિ ટ્રેન નીચે કપાઈ હોવાના સમાચાર મળતાં પરિવાર ત્યાં પહોંચ્યો હતો. તેમનો મૃતદેહ જોઈને પરિવાર ભાંગી પડ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
પોલીસને ઘટનાસ્થળે તો કંઈ ચીજવસ્તુ મળી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘરેથી 30 પેજની સ્યૂસાઇડ નોટ મળી હોવાનું પરિવારે જણાવ્યું છે. પોલીસે કહ્યું કે, હજુ સુધી અમને સ્યૂસાઈડ નોટ મળી નથી. જો કે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આર્થિક સંકટને કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

