સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સુરત અને દમણના એક દિવસના પ્રવાસ દરમિયાન રૂ. 21 હજાર કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી હતી. જેમાં દમણમાં નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. સુરતમાં વિશાળ જનમેદનીને સંબોધતાં વડાપ્રધાને વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે દેશની મજબૂત આત્મનિર્ભરતાની પ્રશંસા કરી હતી. તેમણે સુરતની અદભુત સ્વચ્છતા સ્પિરિટ અને હજીરાને ભવિષ્યના ગ્રીન સ્ટીલના વૈશ્વિક હબ તરીકે ઓળખાવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખી સાઇકલ અને EVનો ઉપયોગ કરવાની ભાજપ સંગઠનની અપીલને ધ્યાનમાં રાખી ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડુમસ રોડના લાલભાઈ સ્ટેડિયમથી સાઇકલ યાત્રાનું બપોરે દોઢ વાગ્યે પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય નાગરિકો પણ વડાપ્રધાનની સભામાં જવા સ્વયંભૂ મોટી સંખ્યામાં જોડાયા હતા.
વર્તમાન સમય દુનિયા માટે પડકારજનક
વડાપ્રધાન મોદીએ કહ્યું, ગ્રીન એનર્જીમાં ગુજરાતનો સિંહફાળો છે. આજે ભારતની કુલ રિન્યૂએબલ એનર્જી કેપેસિટી 250 ગિગાવોટ પહોંચી છે, જેમાંથી 50 ગિગાવોટ (એટલે કે દેશના પાંચમો ભાગ)નું યોગદાન એકલું ગુજરાત આપી રહ્યું છે. દુનિયા અત્યારે અભૂતપૂર્વ પડકારો અને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. આ દશક દુનિયા માટે આપત્તિજનક સાબિત થઈ રહ્યું છે. દુનિયાએ પહેલા કોરોનાનું મોટું સંકટ જોયું, ત્યારબાદ અલગ-અલગ જગ્યાએ યુદ્ધો શરૂ થયાં અને હવે મોટું ઊર્જા સંકટ (એનર્જી ક્રાઇસિસ) ઊભું થયું છે, જેણે આખી દુનિયાને અસ્તવ્યસ્ત કરી દીધી છે.
ડેટા કંપની એરટ્રન્ક ભારતમાં રૂ. ૩ લાખ કરોડનું રોકાણ કરશે
દિગ્ગજ ડેટા સેન્ટર કંપની એરટ્રન્કે ભારતમાં રૂ. 3 લાખ કરોડનું મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ દ્વારા દેશમાં 5 ગિગાવોટની ક્ષમતાનું ડેટા સેન્ટર વિકસિત કરવામાં આવશે. શુક્રવારે ઓસ્ટ્રેલિયન કંપની એરટ્રન્કના સીઈઓ રોબિન ખુદાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.
બે વર્ષમાં પીએમ મોદી 13 વખત ગુજરાતમાં
લોકસભા 2024ની ચૂંટણી પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 વખત ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત કર્યું છે. તેની કુલ કિંમત રૂ. 1.92 લાખ કરોડ છે, જેમાં રેલવે, રિન્યૂએબલ એનર્જી, એરપોર્ટ, હાઇવે, શહેરી વિકાસ, ટૂરિઝમ, હાઇવે શહેરીકરણ, પાણી, આરોગ્ય વગેરે ક્ષેત્રના પ્રોજેક્ટ રાજ્યને સમર્પિત કર્યા છે. આ રીતે ગુજરાતમાં વિકાસનાં કાર્યોને ગતિ આપી છે.
આ મુખ્ય પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા
પ્રોજેક્ટ કિંમત
એરક્રાફ્ટ પ્રોજેક્ટ, વડોદરા 21,935 કરોડ
લોકોમોટિવ મેન્યુ. પ્લાન્ટ, દાહોદ 20,000 કરોડ
વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે 7689 કરોડ
સેમિકન્ડક્ટર પ્લાન્ટ, સાણંદ 3300 કરોડ
ખાવડા, સોલાર ગ્રીડ નેટવર્ક 3650 કરોડ

