વાપીઃ દમણમાં રૂ. 2970 કરોડના ખર્ચે 59 વિવિધ પ્રકલ્પોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, સંઘપ્રદેશ દમણ મિની ભારતનું જીવતું જાગતું ઉદાહરણ છે. વર્ષો પહેલાં જોયેલા સ્વપ્ર હવે આજની યુવા પેઢી પોતાની નજરે સાકાર થતાં જોઈ રહી છે. દમણ હવે ભવિષ્યમાં એક મોટું બિઝનેસ હબ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, સંઘપ્રદેશ વિવિધ મહત્ત્વાકાંક્ષી પરિયોજના થકી આગળ વધી રહ્યું છે. તમામ ક્ષેત્રે હરણફાળ પ્રગતિ થઈ છે. સંઘપ્રદેશ એકમાત્ર એવો પ્રદેશ છે, જ્યાં સરકારી ઇમારતોમાં સૌરઊર્જા લગાવાઈ છે. સંઘપ્રદેશ ભારતની ઓળખ અને વિરાસત છે. સંઘપ્રદેશ દમણ સિંગાપોરની માફક આગળ વધી રહ્યું છે અને ભવિષ્યમાં સિંગાપોરની માફક એક હબ બનશે. અહીં ટ્રાન્સપોર્ટનગર બન્યા બાદ વૈપારને મજબૂતી મળશે.
વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આંકડા મુજબ ભારત વર્ષ 2025-’26માં 7.7 ટકા ગ્રોથરેટ હાંસલ કરી અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની દિશામાં આગળ રહ્યું છે, એટલે કે દેશ સૌથી મોટી અર્થવ્યવસ્થા તરફ હરણફાળ ભરી રહ્યો છે, વિકાસ તરફ આગળ વધ્યો છે આજે વૈશ્વિક સંકટમાં દુનિયાની અર્થવ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે પણ દેશવાસીઓના સામૂહિક સહયોગથી ભારત સંકટનો સામનો કરી આગળ વધી રહ્યું છે. દેશ સંકટનો સામનો કરી તેજ ગતિથી આગળ વધતો જ રહેશે એવી મારી ગેરંટી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દમણ મિની ભારત તરફ આગળ વધી રહ્યું છે એમ મેં અગાઉ કહ્યું હતું આજે દમણ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. લોકોએ અગાઉ જોયેલાં સ્વપ્ર સાકાર થતાં નવી પેઢી જોઈ રહી છે. આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
કુદરતી સૌંદર્યના કારણે દમણ પર્યટન સ્થળ તરીકે વિકસ્યું
દમણ, દીવ અને દાદરા-નગર હવેલીના વિકાસમાં પર્યટન ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ હોવાની વાત સાથે વડાપ્રધાને જણાવ્યું કે, કુદરતી સૌંદર્ય, દરિયાકિનારા અને ઐતિહાસિક વારસાના કારણે આ વિસ્તાર દેશના અત્યંત મહત્ત્વના પર્યટન કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે. વર્ષ 2021માં જ્યાં અંદાજે 6 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, ત્યાં વર્ષ 2025માં આ સંખ્યા વધીને લગભગ 50 લાખ સુધી પહોંચી ગઈ છે. એટલે કે માત્ર 4 વર્ષમાં પર્યટન ક્ષેત્રે લગભગ દસ ગણો વધારો નોંધાયો છે. દમણ નાઇટ માર્કેટ, રામસેતુ સી-ફ્રન્ટ, નમો પથ સી-ફ્રન્ટ, નાની દમણ કિલ્લો અને ઘંઘેશ્વર મંદિર કોમ્પ્લેક્સ જેવા પ્રોજેક્ટોએ પ્રદેશની નવી ઓળખ ઊભી કરી છે.

