U-19 વિશ્વવિજેતા ક્રિકેટ ટીમના ખેલાડી ખિલન પટેલનું મોડાસામાં શાનદાર સ્વાગત

ફાઇનલ મેચમાં 3 કેચ, એક રનઆઉટથી મેચનું પરિણામ બદલી દીધું

Tuesday 10th February 2026 15:09 EST
 
 

શામળાજીઃ U-19ની વિજેતા ક્રિકેટ ટીમના વર્લ્ડકપના ભવ્ય વિજય બાદ ખેલાડી ખિલન પટેલ તેમના નિવાસસ્થાન અરવલ્લી જિલ્લાના મોડાસા પહોંચ્યો હતો, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોડાસા ખાતેના નહેરુ કંપાના નિવાસી ખિલન પટેલના સન્માનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં ક્રિકેટપ્રેમીઓ, રાજકીય અને સહકારી નેતાઓ, વેપારીઓ સહિત માનવમહેરામણ ઊમટી પડ્યું હતું.
રેલીનો શુભારંભ મોડાસા શહેરના કિસાન સર્કલથી થયો હતો, જે શહેરના વિવિધ વિસ્તારથી પસાર થતાં ખિલન અને તેના પરિવારે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રેલીમાં દેશભક્તિનાં ગીતોની સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. રેલીનું સમાપન ઉમિયા માતાજીના મંદિરે કરવામાં આવ્યું હતું.
મોડાસાના યુવા ક્રિકેટર ખિલન પટેલે ઇંગ્લેન્ડ વિરુદ્ધ U-19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ત્રણ કેચ લીધા અને એક ખેલાડીને રનઆઉટ કરીને પરિણામ ફેરવી નાખ્યું હતું. ખેડૂત પરિવારના યુવાન ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની પ્રતિભા સાબિત કરી કચ્છ કડવા પાટીદાર સમાજ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ખિલન પટેલની U-19 ક્રિકેટ વર્લ્ડકપમાં પસંદગીથી સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ હતો. ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ ઓલરાઉન્ડર ખિલન પટેલ પર જે ભરોસો દર્શાવ્યો હતો, તેને ખિલને પોતાની સુંદર રમતથી સાબિત કરી બતાવ્યો છે.


comments powered by Disqus