અદાણી પોર્ટથી એક જ માસમાં 25,762 કારની નિકાસ

Tuesday 10th February 2026 15:45 EST
 
 

મુંદ્રાઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના મુંદ્રા પોર્ટે ઓટોમોબાઇલ નિકાસ ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. પોર્ટના ઓટોમોબાઇલ એક્સપોર્ટ માટેના RoRo (Roll-on/Roll-off) ટર્મિનલે જાન્યુઆરી 2026માં 25,762 કારની નિકાસ કરીને માસિક સર્વાધિક રેકોર્ડ નોંધાવ્યો છે. આ સાથે જ અદાણી પોર્ટે મે 2024ના 24,489 કારના વિક્રમને વટાવી દીધો છે.
આ ઉપરાંત અદાણી પોર્ટે એક જ જહાજમાં 5,701 કાર હેન્ડલ કરીને પણ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જે નવેમ્બર 2025માં થયેલા 5,622 કારના અગાઉના બેન્ચમાર્કને પાર કરે છે. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા, સલામતી અને કાર્યક્ષમતાનાં ઉચ્ચતમ ધોરણો જાળવી રાખીને યાર્ડથી જહાજ સુધી કારનું સરળ પરિવહન કરાયું હતું. આ સિદ્ધિ અદાણી પોર્ટની ઓપરેશનલ શ્રેષ્ઠતા, ટીમના સમર્પણ, ભાગીદારોના સંકલન અને અવિરત મહેનતનું પરિણામ છે.
મુંદ્રા પોર્ટની અદ્વિતીય સુવિધાઓ દ્વારા ભારતમાં ઉત્પાદિત કારો સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ફ્રાન્સ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, જાપાન, મોરેશિયસ અને ગલ્ફ દેશો સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહી છે. આ વધતી નિકાસે મુંદ્રાને ભારતના ઓટોમોબાઇલ નિકાસ માટે મુખ્ય હબ તરીકે સ્થાપિત કર્યું છે અને ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવી છે.
આ સાથે જ મુંદ્રા લિક્વિડ ટર્મિનલે પણ જાન્યુઆરી 2026માં 1.120 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે, જે ડિસેમ્બર 2025ના 1.036 એમએમટીના અગાઉના રેકોર્ડને વટાવે છે.
અદાણી પોર્ટ્સના મુન્દ્રા પોર્ટે ભારતના વેપાર અને નિકાસ વૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને આવનારા સમયમાં વધુ નવા માઇલસ્ટોન મેળવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.


comments powered by Disqus